હાલમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને એક પછી એક વિવાદો સતત સામે આવી રહ્યા છે. આ જ કારણસર રાજકારણમાં પણ ગરમાગરમીનો માહોલ અને બયાનબાજીઓ શરૂ થઈ ગઈ છે. સૌપ્રથમ જેડીયુ અને આરજેડીએ ધીરેન્દ્ર શાસ્ત્રી ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યા તેને લઈને સવાલો ઉઠાવ્યા હતા અને હવે કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ બાગેશ્વર ધામ અને ધીરેન્દ્ર શાસ્ત્રીનું અપમાન કરનાર લોકો પર નિશાન સાધતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબે બિહારના બક્સર પહોંચ્યા હતા અને ત્યાં જ્યારે તેમને ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, બાગેશ્વર બાબા હાથી જેવા છે અને તેનું અપમાન કરનાર લોકો શ્વાન સમાન છે. જ્યારે હાથી જાય છે તો આસપાસ શ્વાન ભસે છે. જે લોકો બાબા ઉપર ભસે છે તે ભસતા રહેશે તેનાથી બાબાને કોઈ અસર નહીં થાય.
તેઓ આટલું બોલીને જ અટક્યા નહોતા અને આગળ તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે બિહારમાં યુવા સંતનું અપમાન થયું છે. અહીં તેમના પોસ્ટર ફાડવામાં આવ્યા અને તેના ઉપર કાળી સ્યાહી લગાડવામાં આવી છે. બિહારના ભક્ત આ વાતનો બદલો લેશે. બિહારના લોકો આવા લોકોને દરિયામાં ફેંકી દેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિવાદની શરુઆત ત્યારે થઈ હતી જ્યારે પટનાથી એમપી જવા માટે ધીરેન્દ્ર શાસ્ત્રી માટે પ્રાઈવેટ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ ઉપરાંત પટના એરપોર્ટથી લઈ રનવે સુધી બાબાના ભક્તો પહોંચ્યા હતા. આ બાબતને લઈને મહાગઠબંધને ભાજપ પર નિશાન સાધ્યો હતો.