મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે અને ઘણી પાર્ટીઓના નેતાઓ પોતાને મુખ્ય પ્રધાનપદના દાવેદાર ગણાવી રહ્યા છે. આ દાવાઓ વચ્ચે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકાર ખાતાના રાજ્ય પ્રધાન રામદાસ આઠવલે પણ મુખ્ય પ્રધાનપદ માટે દાવેદારી કરવા રાજકીય મેદાનમાં કૂદી પડ્યા છે અને કહ્યું છે કે જ્યારે દરેક જણ મુખ્ય પ્રધાન બની રહ્યા છે, ત્યારે તેઓ પણ આગામી મુખ્ય પ્રધાન બનવા માટે ઇચ્છુક છે. રામદાસ આઠવલેએ મહારાષ્ટ્રના સાંગલીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આજકાલ દરેક વ્યક્તિ મુખ્ય પ્રધાન બનવાની રેસમાં છે. જોકે, કોઇની પાસે બહુમતી હોય તો જ આ શક્ય છે. આઠવલેએ એનસીપીના વડા શરદ પવારને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)માં જોડાવાની ઓફર પણ કરી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, મુખ્ય પ્રધાનપદના દાવેદાર અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. હું કહેવા માંગુ છું કે હું પણ મુખ્ય પ્રધાન બનવાની ઈચ્છા રાખું છું. ‘હું મુખ્ય પ્રધાન બનવા તૈયાર છું’ તેમણે કહ્યું હતું કે, ‘જો આવી કોઈ ચર્ચા ચાલશે તો હું ચોક્કસપણે મુખ્ય પ્રધાન બનવા તૈયાર છું. પરંતુ હાલમાં અમારી સરકાર સ્થિર છે અને એકનાથ શિંદે સારી રીતે કામ કરી રહ્યા છે. તે દિવસમાં 16 થી 18 કલાક કામ કરે છે. તેઓ એક કાર્યક્ષમ મુખ્ય પ્રધાન છે.
‘શરદ પવારે અમને રાજકારણ શીખવ્યું’:-
આઠવલેએ વધુમાં કહ્યું હતું કે, ‘શરદ પવારે અમને રાજનીતિ શીખવી છે. તેમના જેવા અનુભવી લોકોએ એનડીએમાં આવવું જોઈએ. જ્યોર્જ ફર્નાન્ડિસ અને નીતીશ કુમાર જેવા વિવિધ વિચારધારાના લોકો પણ એનડીએમાં જોડાયા હતા, તેથી પવાર સાહેબે આ પ્રસ્તાવ પર વિચાર કરવો જોઈએ. નોંધનીય છે કે પવારના ભત્રીજા અને NCP નેતા અજિત પવારે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ પણ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવાની ઈચ્છા ધરાવે છે.
હાલમાં જ આરપીઆઈ પ્રમુખ રામદાસ આઠવલેએ કહ્યું હતું કે, મોદીજીના નેતૃત્વમાં NDA ખૂબ જ મજબૂત છે. અદાણી કેસમાં આઠવલેએ શરદ પવારના નિવેદનને પણ યોગ્ય ઠેરવ્યું હતું. અદાણી અને પીએમ મોદી વચ્ચેના સંબંધ વિશે વાત કરતા આઠવલેએ કહ્યું હતું કે મોદી અને અદાણી વચ્ચે કોઈ સંબંધ નથી. અદાણી માટે જેપીસીની જરૂર નથી. કોંગ્રેસને ટોણો મારતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની હાલત અત્યારે ખરાબ છે.