નાગપુરના ઘર અને ઓફિસમાં સુરક્ષા વધારી દેવાઇ ક ડી ગેંગનો સભ્ય હોવાનો દાવો કરીને ફોન પર બે વાર ધમકી આપી: રૂ. ૧૦૦ કરોડની ખંડણી માગી
નાગપુર: દાઉદ ઈબ્રાહિમનો સભ્ય હોવાનો દાવો કરીને એક વ્યક્તિએ કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી આપનારી વ્યક્તિએ નાગપુરની ઓફિસમાં બે વાર ફોન કરીને ધમકી આપી હતી અને રૂ. ૧૦૦ કરોડની ખંડણી માગી હતી. ધમકી મળ્યા બાદ નીતિન ગડકરીની ઓફિસ અને નિવાસસ્થાન પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી, એવું પોલીસે જણાવ્યું હતું.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ફોન કરનારની ઓળખ કરવામાં આવી છે અને ક્રાઈમ બ્રાંચની ટીમને કર્ણાટકમાં મોકલી આપવામાં આવી છે, એવું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. નાગપુરમાં આવેલી તેમની ઓફિસમાં બે વાર ફોન કરીને ધમકી આપવામાં આવી હતી, જેને પગલે પોલીસતંત્ર તપાસમાં લાગી ગયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આજે સવારે ૧૧.૩૦થી ૧૨.૩૦ વાગ્યાની વચ્ચે ધમકીભર્યા કોલ આવ્યા હતા. નીતિન ગડકરીને ધમકીભર્યો ફોન આવતાં તેના નિવાસસ્થાન અને ઓફિસની બહાર સિક્યોરિટી વધારી દેવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે ૧૧.૩૦થી ૧૨.૩૦ની વચ્ચે નીતિન ગડકરીના નાગપુર ખાતેના જનસંપર્ક કાર્યાલય પર બે ધમકીભર્યા ફોન આવ્યા હતા. ફોન પર રૂ. ૧૦૦ કરોડની ખંડણીની માગણી કરી ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ અમને ખંડણી નહીં આપે તો કેન્દ્રીયપ્રધાન ગડકરીને જાનથી મારી નાખવામાં આવશે. પોતે ડી ગેંગમાં હોવાનું અને દાઉદનો સાગરીત હોવાનું ધમકી આપનારી વ્યક્તિએ જણાવ્યું
હતું.
ધમકીભર્યા ફોન આવ્યા બાદ ગડકરીના જનસંપર્ક કાર્યાલયે પોલીસને આ અંગે જાણ કરી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ગડકરીની ઓફિસ પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. આ કેસમાં અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર નીતિન ગડકરીને ધમકીભર્યો કોલ કર્ણાટકના હુબલીથી કરવામાં આવ્યો હતો. કોલનો નંબર અને તસવીર પોલીસ સાથે શેર કરવામાં આવી છે. (પીટીઆઈ)