(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજસ્થાનના મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહલોતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર સીધો વાર કરતા જણાવ્યું હતું કે વિરોધપક્ષના નેતાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવતા કેસનું તેમના કાર્યાલયમાં મોનિટરિંગ કરવામાં આવે છે. પોલીસ, ઈડી, સીબીઆઈ જેવી એજન્સીઓ જ્યારે કેસ દાખલ કરી તપાસ કરે ત્યારે તેનું મોનિટરિંગ થતું હોય છે આથી કોઈપણ પોલીસ કે અન્ય અધિકારી પાસે પગલાં લેવા સિવાય વિકલ્પ બચતો નથી. તેમણે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે બનેલી ઘટનાને ટાંકીને કહ્યું હતું કે તેમણે ભારત જોડો યાત્રા દરમિયાન આપેલા નિવેદનો અંગે પૂછપરછ કરવા જ્યાં યાત્રા કાઢવામાં આવી હતી તે રાજ્યોની નહીં, પરંતુ દિલ્હી પોલીસ તેમના ઘરે આવી હતી. ગાંધીએ જ્યારે ચાર-પાંચ દિવસનો સમય માગ્યો ત્યારે તે પણ આપવામાં આવ્યો ન હતો. આનું કારણ એ છે કે તમામ ગતિવિધિ પર ગૃહ વિભાગની નજર હોય છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ કોઈ રાજકીય નિવેદન નથી, પરંતુ હું મારા અનુભવથી જણાવી રહ્યો છું.
રાહુલ ગાંધીને સંસદ સભ્યપદ પરથી હટાવી દેવાના વિરોધમાં દેશભરમાં ૬૫ શહેરમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ગુજરાતમાં અમદાવાદ ખાતે ગહલોતે પત્રકારો સાથે વાત કરી હતી. રાહુલ ગાંધી પર ઓબીસી સમુદાયને અપમાનિત કરતી ટીપ્પણીના આક્ષેપ મામલે તેમણે જણાવ્યું હતું કે ગાંધીએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના જૂથ મામલે કરેલા સવાલોના જવાબ ટાળવા ઓબીસી કાર્ડ રમવામાં આવી રહ્યું છે. તેમણે પોતાનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે રાજસ્થાનમાં હું એક માત્ર ઓબીસી સમાજનો વિધાનસભ્ય છું અને હું બે ટર્મથી મુખ્ય પ્રધાન છું. કૉંગ્રેસ પક્ષ ઓબીસી સમાજનું કેટલું માન રાખે છે તેનું આ ઉદાહરણ છે. આ સાથે તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે રાહુલ ગાંધીની યાત્રાની સફળતા અને તેમની વધતી લોકપ્રિયતાથી પરેશાન થયેલા ભાજપ પક્ષે ત્યારથી ષડયંત્ર બનાવવાનું ચાલુ કર્યું હતું, જેથી તેમને રોકી શકાય. વિદેશમાં રાહુલ ગાંધીના વકતવ્ય અંગે પણ તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેમણે દેશમાં લોકશાહીનું ગળુ દબાવવામાં આવ્યું છે, તેમ જ કહ્યું હતું, જે તેઓ દેશમાં ઘણીવાર બોલી ચૂક્યા છે અને ઈન્ટરનેટના જમાનામાં સૌએ જોયું અને સાંભળ્યું છે. અદાણી વિશે સતત આક્ષેપો થતાં હોવા છતાં વડા પ્રધાન જવાબ નથી આપતા તે તેમનો અહંકાર છે, તેવી ટીકા પણ તેમણે કરી હતી.