રોજ બરોજ -અભિમન્યુ મોદી
રસ્તા વચ્ચે બે મિત્રો બાખડી પડ્યા, એક બીજાના તમાચા ઝીકી દીધા. પહેલાએ બીજા મિત્ર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. કોર્ટમાં કેસ ચાલ્યો અને ફરિયાદ કરનાર મિત્ર કેસ જીતી ગયો. જે મિત્રે પ્રથમ તમાચો માર્યો હતો તેણે ન્યાયમંદિરની બહાર નીકળીને પોતાના વકીલને પૂછ્યું કે,‘વાંક તેનો હતો તેણે મારા પર શાબ્દિક પ્રહાર કર્યા એટલે મે તમાચો જૂડી દીધો. તો પેલા ને કેમ સજા ન થઇ?’ તેના ધારાશાસ્ત્રીએ જણાવ્યું કે, ‘તમે તમારા મિત્રને તમાચો માર્યો એટલે તમને સજા નથી થઈ પણ તમે ભારતના સંવિધાનનો ભંગ કર્યો એટલે તમે સજાને પાત્ર થયા છો’ વાત સાચી છે. ભારતમાં કાયદાને અનુસરો તો ફાયદામાં રહો. પણ સંવિધાનની આંટીઘૂંટીને સમજવામાં દમ નીકળી જાય. જીપીએસસી કે યુપીએસસીના ઉમેદવારને સપનામાં પણ અનુચ્છેદ અને કલમનાં ચિત્રો જ દેખાય. ગુરુવારે બળબળતી બપોરે ચૂંટણીપંચે આગામી ડિસેમ્બરના શીતળ કાળમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખ જાહેર કરી. ત્યારથી ગુજરાતમાં કૉંગ્રેસ અને આપની ઑફિસમાં કાર્યકરોનો ધસારો વધી ગયો. ૧૮૨ બેઠકો અંકે કરવાની તૈયારી શરૂ કરવામાં આવી પરંતુ ભાજપના કાર્યાલય શાંત હતા. કારણ કે ભાજપ તો આગોતરા આયોજન સાથે વ્યૂહરચના ઘડે છે. મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટના પહેલા ભાજપે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડનો ચીપિયો પછાડયો હતો. એટલે જ લોકો સંવિધાનને સમજવા બેઠા કે આ વળી કયો નવો ફેરફાર છે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર્ડકોર હિન્દુત્વની ફોર્મ્યુલાનો પાકે પાયે અમલ કરવા ભાજપની સરકારે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ દાખલ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. અલબત્ત આ મુદ્દો પહેલીવાર નથી ઉછળ્યો. ઇન્દિરા ગાંધીના સમયથી ચૂંટણી આવે એટલે યુનિફોર્મ સિવિલ કોડ દાખલ કરવાની માંગ ઉઠે અને મતગણતરી પૂર્ણ થતા સરકાર અને પ્રજા ભૂલી જાય કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો છે! યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે દેશના તમામ નાગરિકો માટે એક સરખો કાયદો. નાગરિક કોઈ પણ ધર્મનો હોય તેના પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં થાય. પણ ભારત બિનસાંપ્રદાયિક દેશ છે એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જૈન, બૌદ્ધ, શીખ અને મુસ્લિમ સમાજ પણ શ્ર્વસે છે. પેટા ધર્મનું લિસ્ટ તો એટલું મોટું છે કે તેના પર એક પુસ્તક તૈયાર થઈ જાય. દરેક ધર્મમાં તેના વડાઓ દ્વારા તેમના ધર્મને લાગુ પડે તેવા કાયદાની રચના કરવામાં આવી છે. જેમ કે, ટ્રિપલ તલાક. ભારતનું સંવિધાન ટ્રિપલ તલાકને અપરાધ તરીકે મૂલવે છે. તેના માટે સજાની જોગવાઈ પણ પાંચ વર્ષ પૂર્વે જાહેર કરવામાં આવી હતી છતાં પણ સમયાંતરે અખબારોમાં ટ્રિપલ તલાકનું અનુસરણ કરતા દંપતીઓના કિસ્સા વાંચવા મળે છે. ટૂંકમાં દરેક ધર્મમાં રહેલા આ પ્રકારના કાયદાને ભૂલી જવાના અને ભારતના સંવિધાનને અનુસરવાની પદ્ધતિ એટલે યુનિફોર્મ સિવિલ કોડ.
ભારતમાં એવું કહેવાય કે ‘બંધારણ દરેક ધર્મ,વ્યક્તિ,સંસ્થા કે સરકાર કરતાં પણ વિશેષ દરજજો ધરાવે છે’ પણ દુ:ખની વાત છે કે આ વાક્ય કહેવત બનીને જ રહી ગયું છે. જો તેનું પાલન થતું હોત તો ધર્મના નામે માસૂમોને દંડ કરવાની પ્રથા પડી જ ન હોત. બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકરે સંવિધાનના નિર્માણ વખતે કહ્યું હતું કે, ‘યુનિફોર્મ સિવિલ કોડ’ અપેક્ષિત છે, તેમ છતાં તેને વિભિન્ન ધર્મના વડાઓની ઈચ્છા પર છોડી દેવો જોઈએ. આ રીતે બંધારણના ઢાંચામાં આર્ટિકલ ૩૫ને અંગીકૃત કરી બંધારણના આર્ટિકલ ૪૪ના રૂપમાં સામેલ કરી દેવાયું અને આશા વ્યક્ત કરવામાં આવી કે જ્યારે રાષ્ટ્ર એકમત થઈ જશે તો યુનિફોર્મ સિવિલ કોડ અસ્તિત્વમાં આવી જશે. બંધારણમાં આર્ટિકલ ૪૪ રાજ્યને યોગ્ય સમયે તમામ ધર્મો માટે સમાન નાગરિક સંહિતા બનાવવાનો નિર્દેશ આપે છે. એટલે ગુજરાત સરકાર ઈચ્છે તો રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી શકે છે. પણ ગુજરાત સરકાર સિવિલ કોડને લાગુ કરશે?
ભાજપે ૧૯૮૦ના દાયકામાં ત્રણ વચન આપીને હિંદુત્વની લહેર ઊભી કરેલી. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ, કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ની નાબૂદી અને યુનિફોર્મ સિવિલ કોડનો અમલ એ ભાજપનાં મુખ્ય ત્રણ વચન હતાં. આ કારણે ભાજપ સમાન સિવિલ કોડની ફરી વાત કરી હિન્દુત્વનું ટ્રમ્પ કાર્ડ રમે છે. ૧૯૯૦માં તો અયોધ્યામાં રામમંદિરની સાથોસાથ યુનિફોર્મ સિવિલ કોડ આણવાની નારાબાજી ફક્ત નેતાઓના કે તેમના પોપટરટણ કરનાર અનુયાયીઓના મોઢેથી નહીં, ગામની દીવાલો ઉપર પણ જોવા મળતી હતી. તેની પાછળ ભાજપનો જાહેર આશય ‘મુસ્લિમ તુષ્ટિકરણ’ની કૉંગ્રેસી નીતિનો વિરોધ કરવાનો અને ‘કૉંગ્રેસના સ્યુડો-સેક્યુલારિઝમ’ને ઉઘાડું પાડવાનો હતો. સીધી વાત છે જાહેરમાં એવું થોડું કહેવાય કે ‘અમે કોમવાદમાં માનીએ છીએ?’ ચર્ચામાં તો રાષ્ટ્રવાદની અને સમાનતાની દુહાઇ આપવી પડે.
ભાજપના પ્રગટ કોમવાદ સામે કૉંગ્રેસના પ્રચ્છન્ન કોમવાદનું અનિષ્ટ વાસ્તવિક હતું. પણ મુશ્કેલી હતી કે પસંદગીના વિકલ્પો બે પ્રકારના કોમવાદ વચ્ચે હતા. તેમાંથી કૉંગ્રેસ વર્ષો થયે સગવડિયું કોમવાદી વલણ અખત્યાર કરતી હોવા છતાં, તેના હાડમાં – તેના મૂળ બાંધામાં કોમવાદને બદલે સર્વસમાવેશકતા હતી, જ્યારે ભાજપના મૂળમાં રાષ્ટ્રવાદના નામે મુસ્લિમવિરોધી-ખ્રિસ્તીવિરોધી ધિક્કાર ધરાવતો રાષ્ટ્રવાદ હતો.
કૉંગ્રેસ કદી યુનિફોર્મ સિવિલ કોડની વાત કાઢે નહીં ને ભાજપ તેનું રટણ કરે તો તેમાંથી સમાનતા કે નાગરિકતા માટેની નહીં, પણ મુસ્લિમવિરોધની ગંધ આવતી રહે. કારણ છે કે યુનિફોર્મ સિવિલ કોડની વાત કાગળ પર આદર્શ અને વ્યવહારમાં ઇચ્છનીય લાગતી હોવા છતાં, ભાજપ જ્યારે તેના ઢોલ પીટે અને તેના માટે જિદે ચડે, ત્યારે ભાજપના ઇરાદા પર વાજબી શંકા પડતી હતી. હવે ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડની ઇચ્છનીયતા વિશે વાત છેડી છે. એટલે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડે તો નવો ઇતિહાસ રચાય જાય. દેશમાં ગોવા એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે. ૧૯૬૧માં જ્યારે ગોવા આઝાદ થયું ત્યારથી ત્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે. તેને બાદ કરતા ભારતના ૨૭ રાજ્યના મુખ્યમંત્રી ચૂંટણી સમયે યુનિફોર્મ સિવિલ કોડની વાતો જ કરતા આવ્યા છે.
આ તો રાજ્યની વાત છે. ભારતના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો જૂન ૧૯૪૮માં બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનું સૂચન આપ્યું હતું. ત્યારે પટ્ટાભિ સીતારામૈયા, એમએ અયંગર, મદનમોહન માલવિયા અને કૈલાસનાથ કાટઝૂ જેવા નેતાઓએ હિંદુ કાયદામાં સુધારાનો જોરદાર વિરોધ કર્યો હતો. ડિસેમ્બર ૧૯૪૯માં યુનિફોર્મ સિવિલ કોડ પર જ્યારે ચર્ચા થઈ હતી ત્યારે ૨૮માંથી ૨૩ નેતાઓએ તેના વિરોધમાં મત રાખ્યો હતો.બાદમાં નહેરુએ આ કોડને ત્રણ અલગ અલગ એક્ટમાં વ્હેંચી દીધો અને જોગવાઈ ફ્લેક્સિબલ બનાવી દીધી.
દેશ આઝાદ થયો પછી બનાવાયેલા બંધારણમાં સમાન સિવિલ કોડની તરફેણ કરાયેલી. તેની સામે મુસ્લિમોએ વાંધો લીધો. મુસ્લિમોના ધાર્મિક અધિકારો પર તરાપ મરાય છે એવી કાગારોળ કરી એટલે નહેરૂ સરકારે અંગ્રેજોએ બનાવેલો ૧૯૩૭નો શરિયત એક્ટ ચાલુ રાખવાનું જાહેર કરીને શરણાગતિ સ્વીકારી લીધી. મુસ્લિમોને રાજી રાખવા પછીથી ધર્મના આધારે પર્સનલ લો બનાવી દેવાયા. હિંદુઓ માટે હિંદુ મેરેજ એક્ટ, મુસ્લિમો માટે મુસ્લિમ પર્સનલ લો ને બીજાં ધર્મનાં લોકો માટે અલગ અલગ પર્સનલ લો બનાવીને યુનિફોર્મ સિવિલ કોડનું અચ્યુતમ્ કેશવમ્ કરી દેવાયું. પણ ચૂંટણી આવી એટલે ફરી સિવિલ કોડ યાદ આવ્યો.
ફ્રાંસમાં તો યુનિફોર્મ સિવિલ કોડ થકી સરકાર બની ગઈ. ફ્રાંસમાં જોવા મળતા ધાર્મિક અસંતોષ અને વિવાદને કારણે રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોને પોતાના દેશમાં યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવાની ઈચ્છા આડકતરી રીતે વ્યક્ત કરી હતી. તેઓ ઈચ્છે છે કે ફ્રાંસનું બંધારણ તમામ ધર્મોથી ઉપર હોય. પોતાના એક જ નિવેદનથી મેક્રોન આ વર્ષે ચૂંટણી જીત્યા અને ફરી રાષ્ટ્રપતિ બની ગયા. કારણ કે ફ્રાંસમાં ધાર્મિક હુલ્લડો વારંવાર ફાટી નીકળે છે અને પ્રજા તેનાથી ત્રાસી ગઈ છે. જ્યારે ભારતમાં હજુ પણ યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા ચાલે છે, પરંતુ તુર્કી, સુદાન, ઈન્ડોનેશિયા, મલેશિયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત અને પાકિસ્તાન જેવાં બહુમતી મુસ્લિમ રાષ્ટ્રોમાં યુનિફોર્મ સિવિલ કોડની દૃઢ પણે અમલવારી થાય છે. તેનું એક કારણ એવું પણ છે કે આ રાષ્ટ્રોમાં સત્તાનું સુકાન છુપી રીતે ધાર્મિક સંસ્થાઓના હાથમાં છે. એટલે ત્યાં કાયદામાં મન ફાવે તેવા ફેરફાર કરી શકાય.
દરેક ધર્મના અનુયાયીઓના કેટલાક વિશિષ્ટ રીતરિવાજો હોઇ શકે. તેમનાં ધાર્મિક સંગઠનોને સરકારી દખલગીરીમાંથી મુક્તિ મળવી જોઇએ, તો સ્વતંત્રતાની સામાન્ય સમજણનો મામલો છે, પરંતુ પ્રશ્ર્ન ત્યારે આવે જ્યારે ધર્મના કહેવાતા આદેશો કે રિવાજો દેશના બંધારણ અને કાયદાની સામે આવીને ઊભા રહી જાય. એવી સ્થિતિમાં દેખીતી રીતે જ, કોઇ પણ ધર્મના કહેવાતા નિયમોને નહીં, પણ દેશના બંધારણ અને કાયદાનો હાથ ઉપર રહેવો જોઇએ. વ્યક્તિગત કે ધર્મગત સ્વતંત્રતાના નામે બંધારણના હાર્દનો ભંગ થવા દેવાય નહીં. ધર્મના સિદ્ધાંતો તેની સ્થાપનાના દેશકાળ પ્રમાણે નક્કી થયા હોય. તેને વર્તમાનકાળમાં જડતાપૂર્વક વળગી રહેવામાં વ્યક્તિ, ધર્મ, સમાજ કે દેશ કોઇનો શક્કરવાર વળતો નથી. ત્યારે જોવાનું રહેશે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે કે નહીં!