નવી દિલ્હી: કાળું નાણું અટકાવવા તેમજ બેનામી કામકાજ પર અંકુશ લાવવા વિદેશી મુદ્રાની લેવડદેવડ માટે સમાન બેન્કિંગ કોડના અમલ અંગે કરવામાં આવેલી જાહેરહિતની અરજી (પીઆઈએલ)નો જવાબ આપવા રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ને દિલ્હી હાઇ કોર્ટ દ્વારા સોમવારે વધારાના છ અઠવાડિયાની મુદત આપવામાં આવી છે. આરબીઆઇના વકીલે જવાબ આપવા માટે સમયની માંગણી મુખ્ય ન્યાયમૂર્તિ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદ સમક્ષ કરી હતી. એડવોકેટ અશ્ર્વિની કુમાર ઉપાધ્યાયની પીઆઈએલ પર બેન્ચ સુનાવણી કરી રહી હતી.
વિદેશી ભંડોળને એક ખાતામાંથી બીજા ખાતામાં ફેરવતી પ્રક્રિયામાં કેટલાક છીંડાં છે એવી દલીલ અરજદારે કરી હતી. આ છીંડાંનો દુરુપયોગ અલગતાવાદીઓ, નક્સલવાદીઓ, માઓવાદીઓ તેમજ આતંકવાદીઓ કરી શકે એમ પણ અરજદારનું કહેવું હતું. અદાલતે જણાવ્યું હતું કે ‘આરબીઆઇના વકીલે છ અઠવાડિયાની મુદત માંગી છે અને એ મુદત તેને આપવામાં આવે છે.’ હવે આ મામલે વધુ સુનાવણી જુલાઈમાં કરવામાં આવશે. (પીટીઆઈ)