સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
માનવીની ખરીદી કરવાની/ પસંદગી કરવાની શૈલી સરળ છે. તે જે તે વસ્તુને ઉપયોગમાં લેવાની હોય તે રીતે ચકાસી જુએ છે. ખાદ્ય પદાર્થ તે ચાખીને નક્કી કરે અને પહેરણ પહેરીને. જો આમ શક્ય ન હોય તો પોતાના કે બીજાના અભિપ્રાય પર આધાર રાખે. સામાન્ય રીતે આવું મંતવ્ય ઉપયોગના અનુભવને આધારિત હોય છે. તે ક્યાંક જે તે બાબત માટે મળતી ખાતરી- ગેરેંટીને પણ પ્રમાણભૂત માનીને ચાલે. આ બધી બાબતો આમ તો સમયાંતરે સિધ્ધ થયેલી હોય છે. માણસની પસંદગી પાછળ કારણો કે માન્યતાઓને અવકાશ ઓછો રહે છે. પણ સ્થાપત્યની રચનાની પસંદગી પાછળ એમ નથી જણાતું. જે વસ્તુની ખરીદી પાછળ લગભગ જિંદગીભરની પૂંજી ખર્ચાઈ જાય તેની પસંદગી “ફૂલ-પ્રુફ નથી જણાતી.
સ્થાપત્યની રચનાની પસંદગીમાં વિકલ્પો- સંભાવનાઓ પણ ઓછી હોય તેમ જણાય છે. વસ્ત્ર ખરીદવા જઈએ ત્યારે ઘણાં વિકલ્પો સામે હોય છે અને આ બધાં જ વિકલ્પોમાંથી અનુકૂળ વિકલ્પને આપણે પહેરીને ચકાસી શકાય છે. આવું જ બધા જ ઉપકરણો માટે કહી શકાય. વીસ-પચીસ- પાંત્રીસ હજારના મોબાઈલ માટે વિકલ્પો હાજર હોય છે અને આ બધાની ચોક્કસ સમયવાળા માટેની ચોક્કસ પ્રકારની જાણે લેખિત ખાતરી આપવામાં આવે છે. તેની સામે પચાસ- સાઈઠ લાખના ફલેટની ખરીદી માટે નથી મળતા એટલાં વિકલ્પો કે નથી મળતી જરૂરી લેખિત ખાતરી. અરે! મકાનની ખરીદી વખતે એની પણ બાંહેધરી નથી અપાતી કે ‘બધું જ બાંધકામ કાયદેસર’નું છે. વળી મોબાઈલની ખરીદી વખતે તેને કામમાં અમુક સમય માટે ઉપયોગમાં લઈ શકવાની સંભાવના હોય છે. મકાનની ખરીદીમાં એ શક્ય ક્યાંથી હોય! ચુકવણી મોટી અને ખાતરી ઓછી!
સ્થાપત્ય એ વધુ રોકાણ માગી લેતું ક્ષેત્ર છે. મકાનની ખરીદી બાદ તેના જિંદગીભર નહીં તો જીવનના લાંબા તબક્કા માટે ત્યાં રહેવાનું હોય છે અથવા રહેવું પડે છે. તેનો નિકાલ સરળ તો નથી જ. પણ સાથે સાથે તેમાં સંભવિત જરૂરિયાત પ્રમાણેના ફેરફાર પણ ઓછી સંભાવનાવાળા હોય છે. જે છે તે છે. એ જ સત્ય સમજીને ખરીદી લો. મકાનનો ઉપયોગ કરવાનો હોય છે.
મકાનની- આવાસની પસંદગી માટે ચોક્કસ પ્રકારની પ્રક્રિયા થાય તે જરૂરી છે. આમ તો મકાનની રચનાના વિવિધ સ્વરૂપે પ્રસ્તુત કરાય છે. આ માટે પરંપરાગત રીતે વપરાતા નકશા- ચિત્રણ તો ઉપયોગી રહે જ છે. પણ સાથે સાથે ત્રિપરિમાણીય મોડલ- નમૂનાઓ પણ બનાવાય છે. જે અંદર તથા બહારની પરિસ્થિતિનો ચિતાર આપે. આજના સમયે તો કોમ્પ્યુટરની સહાય છે. વૉક-થ્રુ અર્થાત્ મકાનની અંદર “ફરીને જુઓથી’ પણ લગભગ વાસ્તવિકતાનો ખ્યાલ આપી શકાય. ઘણીવાર જો પોષાય તેમ હોય તો જટિલ રચના માટે પૂરા પ્રમાણમાપવાળા નમૂના પણ બનાવાય છે. આ સાથે મકાનની રચનામાં વપરાતી- ઉપયોગમાં લેવાનારી સામગ્રીના નમૂના તો ખરા જ. પણ સત્ય એ છે કે આ બધી બાબતો પણ ક્યાંક મકાનનો સંપૂર્ણ ચિતાર પ્રસ્તુત કરવામાં વામણાં ઊતરે છે. આ પ્રકારની રજૂઆત ક્યાંક લાલી- પાઉડર જેવી ઉપરછલ્લી જ હોય છે.
દરેક વ્યક્તિની- દરેક કુટુંબની- દરેક વ્યક્તિ સમૂહની જરૂરિયાતો ભિન્ન હોય છે. તેઓનું મકાન સાથેનું સમીકરણ પણ ભિન્ન ભિન્ન હોય છે.
મકાનનો કોણ કેવો ઉપયોગ કરશે તે બાબત સમાનતાના ધોરણે ન સમજી શકાય. એક જ મકાનની ઉપયોગીતામાં નાટકીય બદલાવ પણ હોય શકે. તે ઉપરાંત મકાનની જરૂરિયાત તથા જીવનમાં તેના સ્થાન વિષેની સમજ પણ વ્યક્તિ- વ્યક્તિમાં અલગ હોઈ શકે. મકાન કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તે જેટલું મકાનની રચના પર આધાર રાખે છે તેટલું જ તેના ઉપયોગકર્તાની માનસિકતા પર પણ આધાર રાખે છે.
મકાનને સમજવાનું જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી મકાનને ખરીદતા પહેલાં કેટલીક બાબતો મનમાં સ્પષ્ટ હોવી જોઈએ. મકાનની- આવાસની પસંદગીમાં અગ્રતાક્રમ ક્યાં છે, તે સવલતો
પૂરી પાડવા ઉપરાંત કૌટુંબિક માળખાને કઈ રીતે
અસર કરી શકે. હવા-ઉજાસની દૃષ્ટિએ આ …. જાણવણી થઈ શકે. પણ સાથે સાથે નુકસાનીની અનુભૂતિ થવી, માનસિક જરૂરીયાતને તે મકાન કેટલા અંશે પૂરી પાડવા સમર્થ હશે. ખરીદદારની માનસિક …. તથા સ્થાનને તે મકાન કઈ રીતે પ્રતિબિંબીત કરશે, આવતીકાલની જરૂરિયાતો તથા ક્ષમતા- સંભાવનાઓને અહીં યોગ્ય પ્રતિભાવ મળશે કે કેમ? આ અને આવી બાબતો મકાનની ખરીદી વખતે ધ્યાનમાં રખાય તે જરૂરી છે. હવે તો આ પ્રકારની સેવા આપતા વ્યવસાયિકો પણ હોય છે પણ તેઓ ક્યાંક યોગ્ય સલાહ કરતા પોતાના આર્થિક ફાયદાને વધારે મહત્ત્વ આપતાં હોય તેમ જણાય છે. પ્રશ્ર્ન જટિલ છે.
બે-પાંચ હજારના પંખા પર વોરંટી મળે છે પણ વીસ- પચીસ લાખના મકાનમાં તેમ નથી. પંખો બરાબર ન ચાલે તો પરત કરી શકાય જે મકાનમાં નથી થતું. આ માટે ક્યાંક રાજકારણ જવાબદાર છે. એક અભ્યાસ પ્રમાણે સ્થાનિક રાજકારણ સ્થાનિક વિકાસકર્તાઓ મારફતે જ રમાય છે. તેઓ જે તે નિયમો લાવીને પોતાના જ પગ પર કુહાડો શા માટે મારે!
ગ્રાહકે લાચારીપણાંના ભાવથી બહાર આવી યોગ્ય ગુણવત્તાયુક્ત પસંદગી કરવાની જરૂર છે. જો તેમના માગણીઓ દૃઢતાથી અને મજબૂરીના ભાવ વગરની હશે તો સમાજે તે માટે હકારાત્મક અભિગમ અપનાવવો જ પડશે પસંદગીના ધોરણો સ્પષ્ટ રાખી તેને વળગી રહેવાની જરૂર છે અને, જે અધિકાર છે તે તો અધિકાર છે જ.
ચોક્કસ ગુણવત્તાવાળી માંગ ઊભી કરવાથી તે પ્રકારનો પુરવરઠો આવતો થાય તે માની શકાય તેવી વાત છે. જરૂરી છે સ્પષ્ટતાની, પરિપકવતાની અને વિશ્ર્વાસની- જરૂરિયાતોની સ્પષ્ટતા- પસંદગીમાં પરિપકવતા અને મળશે જ તેવો વિશ્ર્વાસ- ભવિષ્યની સુરચના માટે આજે જ અમુક પ્રકાર ધોરણોનો આગ્રહ જરૂરી છે.