ભારતની વીરાંગનાઓ-ટીના દોશી
માને પગલે ચાલીને પુત્રીએ, પિતાને પગલે ચાલીને પુત્રએ કે પતિને પગલે ચાલીને પત્નીએ સ્વતંત્રતા સંગ્રામમાં ઝુકાવ્યું હોય એવાં સંખ્યાબંધ દૃષ્ટાંતો સ્વરાજની લડતમાં જોવા મળે છે, પરંતુ એક શ્ર્વસુર ધ્રુવતારક થઈને પુત્રવધૂનાં પથદર્શક બન્યા હોય એવું ઉદાહરણ આપવાનું હોય તો?
આનંદરાવ કુંદાપુર અને ઉમાબાઈ કુંદાપુર. સંબંધ સસરા અને પુત્રવધૂનો. આનંદરાવની પ્રેરણાથી ઉમાબાઇએ સ્ત્રીઓને ઘરમાંથી બહાર નીકળીને આઝાદી આંદોલનમાં જોડાવાની હાકલ કરેલી. સ્ત્રીઓને જાગૃત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વનું યોગદાન કર્યું. સ્વદેશીનો બહોળો પ્રચાર કર્યો. ખાદીનો વપરાશ વધે એ માટે રાતદિવસ પ્રયાસો કર્યા. મીઠાના સત્યાગ્રહમાં જેલવાસ વેઠનાર સ્ત્રીઓને એમના પરિવારે જાકારો આપ્યો, ત્યારે એમને શરણ આપ્યું એ ઉમાબાઈનું સૌથી મહામૂલું પ્રદાન હતું.
આ ઉમાબાઈનો જન્મ ૧૮૯૨માં કર્ણાટકના મેંગલોરમાં થયો. માતા જુગનાબાઈ અને પિતા ગોલિકેરી કૃષ્ણરાવ. માતાપિતાએ ક્ધયારત્નનું નામ ભવાની રાખ્યું. ભવાનીનાં બાળપણમાં જ એનો પરિવાર મુંબઈ જઈ વસ્યો. એ સમયના રિવાજ મુજબ બાલ્યાવસ્થામાં નવ વર્ષની ભવાનીનાં લગ્ન સંજીવરાવ કુંદાપુર સાથે થયાં. ભવાની મહિયરથી સાસરે સિધાવી.
પિયરની ભવાનીને સાસરિયામાં ઉમાબાઈનું નામ મળ્યું. એ ઉમાબાઈ કુંદાપુર નામે ઓળખાવા લાગી. ઉમાબાઈના સસરા આનંદરાવ કુંદાપુર નવા વિચારોવાળા સુધારક, પ્રગતિશીલ વિચારક અને સ્ત્રીઓના ઉત્થાનમાં વિશ્ર્વાસ ધરાવતા હતા. એમના પ્રોત્સાહનથી ઉમાબાઈએ લગ્ન પછી ભણવાનું આગળ વધાર્યું. એ જમાનામાં પિયરમાં પણ ક્ધયાશિક્ષણ જૂજ પ્રમાણમાં જોવા મળતું, એવા સમયમાં ઉમાબાઈ સસરાજીના સહયોગથી ભણી શક્યાં એ નોંધપાત્ર બીના હતી. સસરાના સાથસહકારથી ઉમાબાઈએ ભણવાનું પૂરું કર્યું. પછી પોતે સસરાજીનો સહયોગ કર્યો. ગૌંડવી મહિલા સમાજના માધ્યમથી સ્ત્રીઓને શિક્ષિત કરવામાં આનંદરાવની મદદ કરવા લાગી.
દરમિયાન એવી ઘટના બની કે ઉમાબાઈનું સંપૂર્ણ જીવન પલટાઈ ગયું. વર્ષ ૧૯૨૦… લોકમાન્ય બાળ ગંગાધર ટિળકનું મૃત્યુ થયું. ટિળકની સ્મશાનયાત્રા નીકળી ત્યારે આખું મુંબઈ રસ્તા પર ઉમટી પડ્યું હોય એવો માહોલ સર્જાયેલો. સંજીવરાવની સાથે ઉમાબાઈ પણ લાખ્ખોની જનમેદનીમાં ઉપસ્થિત હતાં. આ સમગ્ર ઘટના ઉમાબાઈના હૈયામાં કોતરાઈ ગઈ.
ઉમાબાઈ સ્વતંત્રતાની લડત પ્રત્યે આકર્ષાઈ. સાસરિયાઓ, ખાસ કરીને સસરાના સહકારથી કૉંગ્રેસમાં જોડાઈ ગઈ. સ્વદેશી અને ખાદીનો જોરશોરથી પ્રચાર કરવા લાગી. સ્વદેશી અંગે જાગૃતિ ફેલાવવા નાટક લખ્યું. ઘેર ઘેર જઈને મહિલા સ્વયંસેવકોને સ્વાધીનતા સંગ્રામ સાથે જોડવાનું અભિયાન આદર્યું. પતિ અને સાસરિયાનો સહકાર હોવાથી સુખના સોનામાં સુગંધ ભળેલી. પણ સુખની આવરદા ટૂંકી હોય છે. ઉમાબાઈનું સુખ પણ અલ્પજીવી નીવડ્યું. પતિ સંજીવરાવ ક્ષયરોગમાં સપડાયો. ક્ષયરોગ ત્યારે રાજરોગ ગણાતો હતો. ટૂંકી માંદગી પછી સંજીવરાવ મૃત્યુ પામ્યો.
ઉમાબાઈ એ વખતે માત્ર પચીસ વર્ષની હતી. પતિના આમ એકાએક ચાલ્યા જવાથી એ ભાંગી પડી. પણ આનંદરાવે એને વેરવિખેર થવામાંથી બચાવી લીધી. એને સાંત્વના આપી. આનંદરાવ અને ઉમાબાઈ મુંબઈ છોડીને હુબલી જતાં રહ્યાં. હુબલીમાં એમની પારિવારિક સંપત્તિ અને કારખાનું હતાં. આનંદરાવ અને ઉમાબાઈએ હુબલીમાં કર્ણાટક પ્રેસનો આરંભ કર્યો. ક્ધયાઓ માટે એક શાળા શરૂ કરી. નામ રાખ્યું ટિળક ક્ધયાશાળા. શાળાનું સંચાલન ઉમાબાઈએ પોતાને હસ્તક લઇ લીધું. કૃષ્ણાબાઈ પંજીકર સાથે મળીને ‘ભગિની સમાજ’ નામની સંસ્થા સ્થાપી.
આ કાર્યો કરવાની સાથે ઉમાબાઈએ કૉંગ્રેસ સાથેનું જોડાણ પણ અકબંધ રાખેલું. કર્ણાટકમાં સક્રિય સ્વયંસેવક તરીકે આઝાદી આંદોલનમાં એ સેવા આપતી રહેલી. સુંદર કામગીરીને પગલે એની લોકપ્રિયતા ખાસ્સી વધી ગયેલી. સ્ત્રીઓને સ્વતંત્રતા સંગ્રામમાં જોડવા માટે એ અથાક પ્રયત્નો કરી રહેલી. પ્રયાસોના પરિશ્રમથી તો પથ્થર પણ પીગળતો હોય છે. હાડચામની બનેલી મહિલાઓ પણ ઘરબહાર નીકળવા પ્રેરાઈ. આ અરસામાં ઉમાબાઈની મુલાકાત ડો. એન. એસ. હાર્ડિકર સાથે થઇ. હાર્ડિકર ઉમાબાઈથી અત્યંત પ્રભાવિત થયા. ૧૯૨૧માં ડો. એન. એસ. હાર્ડિકરે યુવાનોને સંગઠિત કરવા માટે ‘હિંદુસ્તાની સેવાદળ’ શરૂ કર્યું. એની પ્રવૃત્તિઓનું કેન્દ્ર હુબલી બની ગયું. ઉમાબાઈને હિંદુસ્તાની સેવાદળની મહિલા શાખાની અધ્યક્ષતા સોંપવામાં આવી.
ઉમાબાઈ ઘેર ઘેર જઈને સ્ત્રીઓને પ્રેરિત અને જાગૃત કરવા લાગી. સ્ત્રીઓને આકર્ષિત કરવા શેરીનાટકો ભજવ્યાં. મહિલાઓ એનાં પ્રત્યે સરળતાથી ખેંચાઈ આવતી. ઉમાબાઈએ મહિલાઓને સ્વદેશી ખાદી ભણી પણ વાળી. ચરખો ચલાવતાં શીખવ્યું. કાંતણ અને વણાટકામની તાલીમ આપી. મહિલાઓને પોતાના પરસેવાની કમાણી કહેવાય એવી આવક થવા લાગી. પરિણામસ્વરૂપે હજારો સ્ત્રીઓ, ચાહે એ ગૃહિણી હોય, યુવતી હોય, વિધવા હોય કે વૃદ્ધ હોય, ઉમાબાઈ સાથે જોડાતી ગઈ.
ઉમાબાઈની મહેનતનું પરિણામ મહાત્મા ગાંધીજીએ પણ જોયું. ૧૯૨૪માં કૉંગ્રેસના બેલગામ અધિવેશનમાં ગાંધીજીએ ઉમાશક્તિ નજરોનજર નિહાળેલી. અધિવેશનની અધ્યક્ષતા ગાંધીજી કરી રહેલા. એમણે અધિવેશનમાં પહેલી વાર બહોળી સંખ્યામાં હાજર રહેલી મહિલા પ્રતિનિધિઓ અને સ્વયંસેવિકાઓની ખાસ નોંધ લીધેલી. અધિવેશનમાં અંદાજે દોઢસો સ્વયંસેવિકાઓ અને વિશાળ સંખ્યામાં મહિલા પ્રતિનિધિઓએ હાજરી આપેલી અધ્યક્ષીય પ્રવચનમાં સ્ત્રીઓની ઉપસ્થિતિનો વિશેષ ઉલ્લેખ કરીને ગાંધીજીએ ઉમાબાઈની પ્રશંસા કરેલી.
ગાંધીજીએ માત્ર કહેવા પૂરતાં કે કરવા પૂરતાં વખાણ કર્યા નહોતાં. ગાંધીજી પારખુ ઝવેરી જેવા હતા. એમણે ઉમાબાઈ નામના ઝવેરાતનું હીર એમણે પારખી લીધું. ગાંધીજીએ ઉમાબાઈને કસ્તૂરબા ટ્રસ્ટની કર્ણાટક શાખાની પ્રમુખ બનાવી. વિપરીત સંજોગોમાં પણ કસ્તૂરબા ટ્રસ્ટમાં ઉમાબાઈએ ઉત્તમ કામગીરી કરી બતાડી.
સામે પૂર તરવું અને એ પણ સફળતાપૂર્વક તરવું એ ઉમાબાઈની ખાસિયત હતી. એ વિષમ સંજોગોમાં પણ સ્વતંત્રતા સંગ્રામના સત્યાગ્રહોમાં ભાગ લેતી રહી. મીઠાના સત્યાગ્રહમાં સત્યાગ્રહી તરીકે ઝઝૂમતી રહી. અંગ્રેજ પોલીસે ઉમાબાઈની ધરપકડ કરી. જેલમાં ધકેલી દીધી. ચાર મહિનાનો કારાવાસ થયો. દરમિયાન બ્રિટિશ સરકારે ઉમાબાઈના સસરા આનંદરાવની પ્રેસ અને શાળા બંધ કરાવી દીધાં. ઉમાબાઈ જેલમુક્ત થઇ ત્યારે આનંદરાવના મૃત્યુના ખબર એને મળ્યાં. પિતાતુલ્ય સસરાને શ્રદ્ધાંજલિ આપવા ઉમાબાઈએ એમણે ચીંધેલા રસ્તા પર ચાલતા રહેવાનો સંકલ્પ કર્યો.
સંકલ્પ સાકાર થયો. મીઠાના સત્યાગ્રહમાં જેલવાસ વેઠીને બહાર આવેલી સ્ત્રીઓને એમણે આશ્રય આપ્યો. નમક સત્યાગ્રહમાં સહભાગી થયેલી સ્ત્રીઓની ધરપકડ કરીને જેલભેગી કરી દેવાયેલી. જેલવાસ ભોગવીને બહાર આવી ત્યારે ઘણી સ્ત્રીઓને એમના કુટુંબે સ્વીકારી નહોતી. આવી સ્ત્રીઓને હૂંફ અને હિંમત ઉમાબાઈએ આપ્યાં. ખાણીપીણીથી માંડીને પ્રત્યેક જરૂરિયાતની જવાબદારી ઉમાબાઈએ ઉપાડી લીધી. આમ ઉમાબાઈનું ઘર કુટુંબવિહોણી સ્ત્રીઓનું શરણસ્થળ બન્યું.
ઉમાબાઈ લગાતાર દેશસેવાનું કામ કરતી રહી. દરમિયાન ૧૯૪૨માં ભારત છોડો આંદોલન થયું. કથળતા સ્વાસ્થ્યને કારણે ઉમાબાઈ એમાં સહભાગી ન થઇ શકી. પણ એમનું ઘર દેશના દરેક સ્વાતંત્ર્ય સેનાની માટે સુરક્ષિત ઠેકાણું બન્યું. આઝાદીના દરેક લડવૈયા માટે એમનું ઘર ચોવીસે કલાક ખુલ્લું હતું.
દેશને આઝાદી મળ્યા પછી ઉમાબાઈ સમક્ષ અનેક રાજકીય હોદ્દાઓ અને પુરસ્કારના પ્રસ્તાવો મુકાયા. પરંતુ એણે પ્રેમથી તમામ પ્રસ્તાવ નકારી દીધા. દેશની સેવા કરવાની તક મળી એ જ ઉમાબાઈ માટે બહુ મોટું બહુમાન હતું. એનું કાંઈ મૂલ્ય ન લેવાનું હોય. ઉમાબાઈએ સરકાર પાસેથી જીવાઈ એટલે કે પેન્શન લેવાનો પણ સવિનય ઇનકાર કર્યો. હુબલીના પોતાના નાનકડા ઘર ‘આનંદ સ્મૃતિ’માં એણે પોતાનું બાકીનું આયખું પસાર કર્યું. ૧૯૯૨માં એણે કાયમ માટે આંખો મીંચી દીધી.
પિયરની ભવાની અને સાસરીની ઉમા. બન્નેનો અર્થ તો પાર્વતી દેવી જ થાય છે. એટલે એમ કહી શકાય કે દેશની આઝાદી કાજે પાર્વતીએ સ્વયં ઉમાબાઈ બનીને અવતાર લીધો હતો!
——–