પાકિસ્તાન આમ તો આર્થિક રીતે દેવાળિયો થઇ ગયો છે, છતાંય તે આ મહિને કરાચી બંદરેથી સંરક્ષણ વસ્તુઓથી ભરેલા 230 કન્ટેનર યુક્રેન મોકલશે એવી જાણકારી મળી છે. સંરક્ષણ વસ્તુઓ એમવી બોક્રમ અને એમવી ખેરસન એમ બે જહાજો પર મોકલવામાં આવશે.
યુક્રેનના નાયબ વિદેશ પ્રધાન આવતા રવિવારથી ભારતની ચાર દિવસીય મુલાકાત માટે આવવાના હોવા છતાં, પૂર્વ યુરોપિયન દેશ યુક્રેન રશિયા સાથેના યુદ્ધ વચ્ચે પાકિસ્તાન સાથે તેના સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવી રહ્યો છે.
એ નોંધવું રસપ્રદ છે કે પાકિસ્તાન યુક્રેનને શસ્ત્રો અને અન્ય સંરક્ષણ વસ્તુઓમાં મદદ કરી રહ્યું છે, તેમ છતાં તે રશિયાને એરક્રાફ્ટ એન્જિનના આધુનિકીકરણમાં મદદ કરવા માટે વિનંતી કરે છે. પાકિસ્તાનના જણાવ્યા અનુસાર, તે એપ્રિલના અંત સુધીમાં રશિયા પાસેથી ડિસ્કાઉન્ટેડ રેટ પર પેટ્રોલિયમ મેળવવાનું શરૂ કરશે. પરંતુ રશિયા અને પાકિસ્તાન વચ્ચે ઉર્જા કરારનો કોઈ પુરાવો નથી.
એવું જાણવા મળ્યું છે કે ચીન, પાકિસ્તાન અને યુક્રેન એક સમયે મિસાઇલ ટેક્નોલોજીની આપલે કરવા માટે એક નેટવર્ક બનાવી હતી. ભારત સરકાર કથિત રીતે એ પુષ્ટિ કરવાનો પ્રયાસ કરી રહી છે કે યુક્રેન હજુ પણ પાકિસ્તાનને કોઈ મિસાઈલ ટેક્નોલોજી આપવામાં સામેલ છે કે કેમ. પાકિસ્તાન 2021માં યુક્રેનિયન એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ (ATGM) સિસ્ટમ ખરીદવા માટે ઉત્સુક હતું. યુક્રેન પર ભૂતકાળમાં ઉત્તર કોરિયાને મિસાઈલ ટેક્નોલોજી આપવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
પાકિસ્તાને પશ્ચિમી દેશોની મદદના બદલામાં યુક્રેનને શસ્ત્રો અને સંરક્ષણ સાધનો મોકલવાનું માથે લીધું છે. પાકિસ્તાન અને યુક્રેન વચ્ચેનો આ સંરક્ષણ સહયોગ યુક્રેનની સેના માટે ફાયદાકારક રહ્યો છે, કારણ કે તેઓ રશિયા સાથેના યુદ્ધ દરમિયાન શસ્ત્રો અને દારૂગોળાની અછત અનુભવી રહ્યા છે.
2022 માં, બ્રિટને પાકિસ્તાનનો હવાઈ પુલ તરીકે ઉપયોગ કરીને રોમાનિયા થઈને યુક્રેનને શસ્ત્રો અને દારૂગોળો પૂરો પાડ્યો હતો. યુકેએ રાવલપિંડીમાં પાકિસ્તાન એરફોર્સ (PAF) ના નૂરખાન એરબેઝનો ઉપયોગ યુક્રેનમાં શસ્ત્રો મોકલવા માટે કર્યો હતો.