Homeદેશ વિદેશભારતના યુવાનો માટે લાલ જાજમ પાથરતું યુકે

ભારતના યુવાનો માટે લાલ જાજમ પાથરતું યુકે

દર વર્ષે ૩૦૦૦ વિઝા આપશે: બે વર્ષ બ્રિટનમાં રહીને કામ કરી શકાશે

લંડન: બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે  દર વર્ષે ૧૮થી ૩૦ વર્ષની ઉંમરના ડિગ્રીધારી ભારતીય ૩૦૦૦ યુવાનોને બ્રિટનના વિઝા આપવાની યોજનાને બુધવારે લીલી ઝંડી આપી હતી. એ યોજના હેઠળ વિઝાની જોગવાઈઓ અનુસાર સંબંધિત યુવાન બે વર્ષ બ્રિટનમાં રહીને કામ કરી શકશે. ભારતીય યુવાનોને સારા અવસર પ્રદાન કરવાના ઇરાદે ઋષિ સુનકે નવી ‘યુથ મોબિલિટી પાર્ટનરશિપ સ્કીમ’ને મંજૂરી આપી હતી.
દ્વિપક્ષી સમજૂતી હેઠળ હાથ ધરવામાં આવેલી આ યોજનામાં બ્રિટિશ નાગરિકોને વિઝા દ્વારા ભારતમાં રહેવા અને કામ કરવાની મોકળાશ આપવામાં આવી છે. ગયા વર્ષે યુકે-ઇન્ડિયા માઇગ્રેશન ઍન્ડ મોબિલિટી પાર્ટનરશિપ નામે કરાર પર ભારત અને બ્રિટનના સત્તાવાળાઓએ સહી-સિક્કા કર્યા હતા. એ કરારની જોગવાઈઓ પ્રમાણેની યોજનાનો અમલ વર્ષ ૨૦૨૩ના પ્રારંભિક ગાળામાં શરૂ કરવા માટે બ્રિટિશ પક્ષે ઋષિ સુનકે લીલી ઝંડી આપી હતી. ઇન્ડોનેશિયાના બાલી ખાતે જી-૨૦ શિખર પરિષદમાં બ્રિટનના ‘ઇન્ડો-પેસિફિક ફોકસ’ના ભાગરૂપે યોજના શરૂ કરાઈ હતી. તેમાં ભારતને ‘ફર્સ્ટ વિઝા નેશનલ ક્ધટ્રી’ તરીકે તેનો લાભ આપવાનો નિર્ણય લેવાયો હતો. ઋષિ સુનકે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને નવી યોજનાને સમર્થન સંબંધી વાતચીત પણ કરી હતી. બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે નવી યોજનાને બહાલી આપતાં જણાવ્યું હતું કે ભારત સાથેના ગાઢ સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોનું અસાધારણ મૂલ્ય હું જાણું છું. હવે ભારતના તેજસ્વી યુવાનો બ્રિટનના જીવનને જાણી, માણી, અનુભવી શકશે. એવી જ રીતે બ્રિટનના યુવાનો ભારતના જીવનને જાણી, માણી અને અનુભવી શકશે. એ રીતે બન્ને દેશોનાં અર્થતંત્રો અને સમાજ સમૃદ્ધ થશે.
યુકે-ઇન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમને દ્વિપક્ષી સંબંધોમાં ‘મહત્ત્વનો અવસર’ ગણવામાં આવે છે. આ યોજના દ્વારા ભારત અને બ્રિટનનાં અર્થતંત્રોને વધુ સક્ષમ બનાવવા માટે ‘ઇન્ડો-પેસિફિક રિજન’માં સંપર્કો વધારવાની ઋષિ સુનકની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. આ પગલું હાલમાં બે દેશો વચ્ચે ચાલતી ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ની વાટાઘાટોને વેગવાન બનાવવાના ઉદ્દેશથી લેવાયું હોવાનું પણ જણાવાયું હતું.
————
બ્રિટિશ શાળાઓમાં ગુજરાતી શીખવવા વધુ ભંડોળ મગાયું
લંડન: બ્રિટનમાં તાજેતરનાં વર્ષોમાં ગુજરાતી, બંગાળી અને પંજાબી ભાષાઓ ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતાં સ્થાનિક સંસદના વિરોધ પક્ષ- લેબર પાર્ટીના સાંસદ ગેરેથ થોમસે સરકાર પાસે ભારતીય ભાષાઓના શિક્ષણ માટે વધુ ભંડોળ ફાળવવાની માગણી અર્થે અભિયાન આદર્યું છે. તેઓ નોર્થ લંડનમાં ગુજરાતીઓની મોટી વસતી ધરાવતા વિસ્તાર હેરો-વેસ્ટનું સંસદમાં પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ગુજરાતી તથા અન્ય ભાષાઓ ભણાવવા વધુ ભંડોળ ફાળવવાની માગણીની રજૂઆત હાઉસ ઑફ કોમન્સનાં નેતા પેની મૉર્ડોન્ટ સમક્ષ કરી હતી.
છેલ્લાં છ વર્ષમાં ભારતની સેક્ધડરી સ્કૂલ બોર્ડ પરીક્ષાઓ જેવી બ્રિટનની જનરલ સર્ટિફિકેટ ઑફ સેક્ધડરી એજ્યુકેશન (જીસીએસઈ)માં ગુજરાતી, બંગાળી, પંજાબી, ફારસી (પર્શિયન) અને ઉર્દૂ વિષય ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં ઘટી છે. વર્ષ ૨૦૧૫થી વર્ષ ૨૦૨૧ના ગાળામાં ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી વધારે પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. આ ૬ વર્ષમાં ગુજરાતીના વિદ્યાર્થીઓનું પ્રમાણ ૭૭ ટકા, બંગાળીના વિદ્યાર્થીઓનું પ્રમાણ ૬૬ ટકા, પંજાબીના વિદ્યાર્થીઓનું પ્રમાણ ૪૫ ટકા, પર્શિયનના વિદ્યાર્થીઓનું પ્રમાણ ૬૫ ટકા અને ઉર્દૂના વિદ્યાર્થીઓનું પ્રમાણ ૩૭ ટકા ઘટ્યું છે. બ્રિટનમાં લેટિન અને મેન્ડેરિન (ચીની) ભાષાઓ ભણાવવા માટે મોટું ભંડોળ ફાળવાય છે. એ બે ભાષાઓને જે ભંડોળ ફાળવાય છે, એટલા પ્રમાણમાં ભારતીય ભાષાઓના શિક્ષણ માટે ભંડોળ ફાળવવાની માગણી ગેરેથ થોમસ કરી રહ્યા છે. (એજન્સી)

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -