ઊડતી વાત – ભરત વૈષ્ણવ
એક જૂની વાર્તા છે. શ્રીમંત વ્યક્તિને એક પુત્ર હતો. આમ, તો બિગડે બાપ કી બિગડી ઔલાદ હતો. ચાંદી નહીં પણ પ્લેટીનમના ચમચા સાથે જન્મ્યો હતો. કામધંધો કરવાની ચિંતા ન હતી. તે અત્યંત સોહામણો એલિજેબલ મોસ્ટ રેટેડ બેચલર હતો! અલબત, પોતાના દેખાવ અંગે અત્યાધિક આત્મમુગ્ધ હતો. કલાકોના કલાકો સરોવરની પાળે બેસીને પાણીમાં તેના અપ્રતિમ પ્રતિબિંબને અપલક અને અનિમેષ નજરે મટકું માર્યા સિવાય નિહાળ્યા કરતો. મનોમન પોતાના પ્રતિબિંબ પર મોહી પડતો હતો. સવારથી રાત સુધી સરોવર પાળે બેસી રહેતો હતો. પોપટ તો નસીબદાર હતો કે આંબાની ડાળ, સરોવર પાળ બેસતો હતો. કાચી પાકી કેરી ખાતો અને સરોવરનું મધ જેવું મીઠું પાણી પીતો હતો. એટલે ભૂખ્યો કે તરસ્યો ન હતો!!! પણ આપણો વાર્તા નાયક ભૂખ્યો પણ રહેતો અને તળાવે તરસ્યો હતો. સાહેબનો અનુયાયી હતો! ખાતો નથી અને ખાવા દેતો નથી!!! છેવટે આત્મ મુગ્ધતાના અતિરેકમાં અવસાન પામ્યો. એટલે જ કહેવામાં આવે છે કે અતિ સર્વત્ર વર્જયતે!!!
મોબાઇલમાં કેમેરાનું ફિચર ન હતું ત્યારે આપણા સૌની બોચી ફોટોગ્રાફર પાસે રહેતી હતી. ફોટો પાડતા પહેલાં મોં મોડાસા બાજુ ફેરવો કે મોં માણસા તરફ ફેરવો, હડપચી નીચે રાખો, કેમેરાના લેન્સ પર આંખો ફોકસ કરો, ડાબો ખભો લબડેલ ન રાખો, જમણો ખભો ઊંચો કેમ રાખ્યો છે, ૪૬ અંશ ડિગ્રી મુજબ શરીર રાખો, બહેનને ચીપકીને ઊભા ન રહો, થોડી સભ્યતા રાખો વગેરે પ્રકારની સૂચના આપે. કોઇ પણ પ્રકારના કાળા કામો ન કર્યા હોવા છતાં, કેમેરા પર અને પોતાના પર ગંધાતું કાળું કપડું લગાવીને રેડી વન, ટુ, થ્રી, ફોર ઇસ્માઇલ પ્લીઇઇઇ કહીને સબ મર્શીબલ પંપની ચાંપ પાડતો હોય તેમ ખટાક ખટાક કરીને ફોટા પાડવા માંડે. ક્યારેક ફલેશ ગન ફલેશ થાય. ક્યારેક ન થાય! પ્રસંગોમાં તો લોકો સામે ચાલીને ફોટો પાડવાનું કહે તો ખાલી ખાલી ફલેશ દબાવે . જેમાં તેણે સ્નેપ ન લીધો હોય. જો કે, જ્યારે આલ્બમ આવે અને જે પાર્ટીએ ફોટો પાડવા કહ્યું હોય અને આલ્બમમાં ફોટો ન દેખાય ત્યારે જવાળામુખીની જેમ ધુંવાંપૂંવાં થાય અને ગેસના બાટલાની જેમ ફાટીને કકળાટ કરે! જેના ફોટા ખરેખર પડયા હોય તેને કેવો ફોટો પડ્યો તે જોવાની તાલાવેલી હોય! મનમાં ફફડાટ હોય કે ફલેશના ઝબકારે પાનબાઇની આંખ મિંચાઇ હોય તો ગાંધારી જેવો ફોટો આવશે અને આ તો પાછી શ્રધ્ધા કુંવારી હોય તો ધૃતરાષ્ટ્રને જાણી જોઇને શું કામ વરે? પહેલાના જમાનામાં શ્વેતશ્યામ તસ્વીર એટલે કે ફોટા આવતા. જેમાં લલિતા પવાર અને માલા સિંહા એક જ લાગે. પોલીસ સ્ટેશને ગુમશુદા કે ઇનામી આરોપી જેવો હુલિયો દેખાય! મુગલે આઝમ બ્લેક એન્ડ વ્હાઇટમાં જુવો અને ઇસ્ટમેન કલરમાં જુઓ તો રાજા ભોજ અને ગંગુ તેલીનો ભેદ સમજાય! એ વખતે લગ્નમાં વરરાજા કે ક્ધયા કરતાં ફોટોગ્રાફરની આગતાસ્વાગતા વધુ થતી હતી.
મોબાઇલમાં કેમેરા આવ્યા કે ફોટોગ્રાફીનો કોર્સ કર્યા સિવાય કે વ્યવસાયે ફોટોગ્રાફર ન હોય તેવા હાલી મવાલી અઠંગ ફોટોગ્રાફર હોય તેમ ધડાધડ ફોટાનો વરસાદ કરવા માંડ્યા. ફ્રેમના ઠેકાણા હોય નહીં, સબ્જેકટ આઉટ ઓફ ફોકસ હોય, પર્વતને બદલે એકાદું કાળું ટપકું હોય, નદી તો શોધી મળે નહીં! પાછા કોલર ઊંચા કરી ફોટા-વીડીયો વાયરલ કરે. અરે, તારી ભલી થાય ચમના! તું ફોટોગ્રાફીની કત્લ ન કરે એ જ ફોટોગ્રાફીની સેવા જ છે!!!
મોબાઇલમાં પાંચથી પચાસ પિકસલના કેમેરા હોય. ઝૂમ કો દોઢ મીટર થાય. મોબાઇલ કંપની એકને બદલે ચાર કેમેરા આપે પછી થનગનભૂષણો ઝાલ્યા રહે? (જવાબ:- ઝાલ્યા ન રહે . જવાબ સમાપ્ત થયો!) કોણ જાણે કોણ અને કયાંથી સેલ્ફીનો ઉપાડો લઇ આવ્યા છે? મોબાઇલના કેમેરાના બટન પર આંગળી કરી -ચાંપ પાડી સેલ્ફી મોડ કરે. મોબાઇલ ઊંચો કરી કેમેરાથી સેલ્ફી પાડે. સુલભ શૌચાલય પણ ન છોડે! કેનાલમાં પગ ધોવા જાય અને સેલ્ફી લેવા જતા પાણીમાં ગરકાવ થાય. રેલવેના ડબ્બાના છાપરા પર ચડે, છાપરા પર ઊભા થઇ સેલ્ફી લે. કયાં બોગદામાં માથું ભટકાય અથવા ઇલેક્ટ્રિકના વાયરને અડકે અને ખેલ ખતમ થાય. ઘણી વખત સેલ્ફી લેવાના પ્રેમમાં પણ કેટલાક લોકો પોતાના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે.
તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક મહિલા બકરી સાથે સેલ્ફી લેતી જોવા મળી રહી છે. બકરીને દોરડાથી થોડેક અંતરે બાંધવામાં આવી છે અને મહિલા તેને જોતા વિવિધ પ્રકારના પોઝ આપી સેલ્ફી લઇ રહી છે. દરમિયાન અચાનક બકરી પાછળથી મહિલા તરફ આવે છે અને તેને ખૂબ જ ઝડપથી શિંગડું મારે છે.
સેલ્ફીના ચક્કરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે, તેમ છતાં પ્રવાસન સ્થળો કે કોઈ જાહેર સ્થળોએ સેલ્ફીના ચક્કરમાં લોકો જીવ ગુમાવતા હોયા છે. આવો જ એક કિસ્સો દિવ (ઉશી)ના નાગવા બીચ (ગફલજ્ઞફ ઇયફભવ) પાસે સામે આવ્યો છે. જેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. સાયબર ક્રાઇમે એવા એક આરોપીની ધરપકડ કરી જેણે તેની બહેનની ભાણી સાથે એક પ્રસંગમાં મુલાકાત કરી અને એકતરફી પ્રેમમાં પડ્યો. યુવતી સાથે પડાવેલી સેલ્ફી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી લગ્ન બાબતે દબાણ કરતા આરોપીની ધરપકડ કરાઈ. અમદાવાદમાં રહેતી એક યુવતી તેના મામાના ઘરે કોઈ પ્રસંગમાં ગઈ હતી. જ્યાં તેને મામીના ભાઈ સાથે મુલાકાત થઈ હતી. પ્રસંગ હોવાથી સેલ્ફી અને ફોટો પણ પડાવ્યા હતા. જોકે બાદમાં યુવક આ યુવતીના પ્રેમમાં પાગલ થતા તેને યુવતીની મંજૂરી વગર ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કરતા મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો હતો.
અંકલેશ્ર્વરના સાગબારા ફાટક પાસે ઝાડ પર લટકી યુવાને આપઘાત કર્યો, ત્યારે લોકો તેની આગળ ઊભા રહી સેલ્ફી લઈ રહ્યા હતા. સોશિયલ મીડિયાની લ્હાયમાં લોકો મોતનો મલાજો પણ જાળવી શક્યા ન હતા. આ ઘટનાની જાણ થતા જ વહેલી સવારે ગ્રામજનો દોડી આવ્યા હતા. દઢાલ ગામના યુવાનેનો મૃતદેહ ઝાડ પર લટકતો જોઈ લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પરંતુ સોશિયલ મીડિયાના તૂતે મોતનો પણ મલાજો ના જાળવ્યો. તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.
સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવકોએ જીવ ગુમાવ્યો છે. સાબરમતી નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થઈ ગયા છે. આ યુવકો અમદાવાદથી એક પ્રસંગમાં આગલોડ ગામે ગયા હતા ત્યાં તેઓ સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતા તેમાં પડ્યા હતા અને ડૂબી જવાથી તેમનાં મોત થઈ ગયાં.
એક મહિલા ઊંટ પાસે ઊભી રહીને સેલ્ફી લઈ રહી છે. પછી ઊંટ તેની પાસે આવે છે અને મહિલા ફોટો ક્લિક કરવાનું શરૂ કરે છે. આ દરમિયાન ખબર નહીં ઊંટને શું થાય છે તે મહિલાના વાળ ખાવા લાગે છે અને તેને પકડીને ખેંચે છે. આ દરમિયાન મહિલા જોરથી ચીસો પાડે છે.
સેલ્ફીના ચક્કરને લગતી ફિલ્મ પણ સેલ્ફીની જેમ ફલોપ થઇ ગઇ છે.
એક શખ્સ ચિત્તાની સાથે સેલ્ફી લઇ રહ્યો છે, પરંતુ થોડી સેક્ધડ બાદ કંઈક એવું થાય છે, જેને જોઈને દરેક યુઝર્સ પરેશાન છે. વીડિયોની શરૂઆત એક ચિત્તાથી થાય છે, જે પર્યટકોથી ભરેલી સફારી જીપ તરફ આગળ વધી રહ્યો છે. વીડિયોમાં તમે આગળ જોશો કે ચિત્તો કૂદીને કારના બોનેટ પર ચઢીને બેસી જાય છે. આ દરમ્યાન ઓપન રૂફમાંથી ચિત્તો અંદર જોવાનો પ્રયાસ કરે છે. આ દરમ્યાન જીપમાં બેઠેલા બધા લોકો ગભરાઈ જાય છે, પરંતુ તેમાં બેઠેલ એક સફારી ગાઈડ તેની બેઠક પરથી ઉઠીને ચિત્તાની સાથે સેલ્ફી લે છે.
દિવસે ને દિવસે સેલ્ફીનો ક્રેઝ વધી રહ્યો છે. દર વર્ષે સરેરાશ ૪૫૦ ફોટોગ્રાફ લેવામાં આવે છે, પરંતુ એક નવો અભ્યાસ તમને તમારા ફ્રન્ટ-ફેસિંગ કેમેરા વડે આટલા બધા ફોટો ક્લિક કરવાથી રોકી શકે છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટરના સંશોધકોએ ખુલાસો કર્યો છે કે સેલ્ફી તમારા ચહેરાને બગાડી શકે છે, જેનાથી તમારું નાક સામાન્ય ફોટા કરતાં લાંબુ અને પહોળું દેખાય છે. યુકેમાં, નાકની શસ્ત્રક્રિયા, જેને રાઇનોપ્લાસ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કોસ્મેટિક સર્જરીના સૌથી લોકપ્રિય સ્વરૂપોમાંનું એક છે. સંશોધકોના મતે, સેલ્ફીની લોકપ્રિયતા વચ્ચે રાઇનોપ્લાસ્ટીની રિકવેસ્ટ વધી છે.
સેલ્ફી લેવા માટે આંખો વિસ્ફારિત કરવી પડે, મોં બોર્નવિટાના ડબલા જેવું વાંકું કરવું પડે એને ચીંગ બોલીને જ સેલ્ફી લેવી પડે. આમાં ચિંગ મહાશયે ચીની સૈનિકોની માફક કંઇ ઘાટીમાંથી ઘૂસ મારી છે તેનો કોઇ સર્ટિફાઇડ ઇતિહાસ નથી!
હમણા એક સેલ્ફી લેવાની દિલધડક ઘટના બની ગઇ! અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાના નાના લીલીયાની આજુબાજુ સિંહોની અવરજવર સામાન્ય કહેવાય છે. ગામડાના લોકો સિંહને ભાવ આપતા નથી. સિંહને જનાવર ગણે છે. મૂંછે લીંબુ લટકાડી બહાર ફરતી બંકા બહાદુરને ઘરવાળી ઘાસ નીરતી નથી તેમ સિંહને ખાસ વેઇટેજ આપવામાં આવતું નથી! આ વિસ્તારમા એક સિંહ યુગલનો વસવાટ છે. અહીંથી માલધારીઓ પોતાના માલઢોર લઇને પસાર થતા હતા ત્યારે સાવજે મારણનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માલધારીઓએ આ સિંહ યુગલને ખદેડી મૂકયું હતું. જેને પગલે સાવજ લીલીયા ગારીયાધાર માર્ગ પર આવી ચડયો હતો. આ સમયે અહીંથી પસાર થતા એક કાર ચાલકે સિંહને જોઇ પોતાની કાર ઊભી રાખી હતી.
આ યુવાન સેલ્ફી કિંગ હશે. સિંહ સાથે સેલ્ફી પાડવાનો મનસુબો થયો. શાણા માણસો વિચાર કરે અને ડોબાઓ વિચાર કર્યા વગર અમલ કરે છે. સિંહણની પૂર્વ પરવાનગી વગર સેલ્ફી વોરથી સિંહણ ખફા ખફા થઇ. આજ મેરે સનમ ખફા ખફા કયું હૈ? ગીત જેવી સિચ્યુએશન ક્રિએટ થઇ. કાળા માથાનો માનવી સિંહ જેવા વનરાજ સાથે ગુસ્તાખી કરે તે જોયું ગયું નહીં.
સિંહણે યુવાનને સબક શીખવાડવાનું પ્લાનિંગ કર્યું. સિંહણે સેલ્ફી લેવાના શોખીનને કેવી રીતે સેલ્ફીનો પોઝ લેવો તેનું પ્રેકટિકલ જ્ઞાન આપ્યું. સિંહણ યુવકની છાતી પર ચડી ગઇ. સેલ્ફી માટે પરફેકટ સિન ક્રિએટ કર્યો. પેલા યુવાનને કદાચ કહ્યું હશે કે સેલ્ફી લે લે રે સેલ્ફી લે! પેલા યુવાને સિંહણના ગળામાં હાથ નાખીને ચીંગ અવાજ કરી સેલ્ફી લેવા પોતાની જાતને ઇજન આપ્યું. આવો સિન કદાચ સિલેબસ બહારનો હતો. ભાઇસાબને ચડ્ડીમાં ચોમાસું થઇ ગયું હશે! સિંહણે લિપલોક કિસ પણ કરી હશે! ‘બજરંગી ભાઇજાન’ ફિલ્મનું ગીત છે ‘ચલ બેટા સેલ્ફી લે લે રે’ સિંહણે આ ગીત સાંભળ્યું હશે. યુવકની છાતી પર ચડીને કહ્યું હશે ચલ બેટા સેલ્ફી લે લે રે! પેલા યુવકે સાક્ષાત મોત નિહાળ્યું હશે કે શું? તેમા બારે વહાણ ડૂબ્યા. માનો મોતિયા મરી ગયા!!!
આ ઘટનાથી હતપ્રભ થયેલ યુવકે તુરત જ કાર મારી મુકી હતી. આ ઘટનામાં યુવક ઘાયલ થયો હતો. ઘર જઇને યુવકે સિંહણ સાથે કદી પણ સેલ્ફી ન સેવાનો નિર્ણય કર્યો!!!
ભરત વૈષ્ણવ