નાગપુરઃ કર્ણાટક સીમાવિવાદ પ્રકરણ જોર પકડી રહ્યું છે અને નાગપુર ખાતે ચાલી રહેલાં શિયાળુ સત્રમાં પણ તેના પડઘા પડી રહ્યા છે. આજે આ મુદ્દે ઉદ્ધવ ઠાકરે આક્રમક મિજાજમાં જોવા મળ્યા. તેમણે વિધાન પરિષદમાં પેનડ્રાઈવ રજૂ કરી કરી હતી. સીમાવિવાદ સંબંધિત પ્રશ્નોની ફિલ્મ આ પેન ડ્રાઈવમાં છે એવું તેમણે જણાવ્યું હતું. એટલું જ નહીં તેમણે બધા વિધાનસભ્યોને આ ફિલ્મ દેખાડવામાં આવે એવી માગણી પણ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં જ્યાં સુધી આ પ્રકરણ છે ત્યાં સુધી આ સીમાભાગને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાની માગણી પણ તેમણે આ શિયાળુ સત્રમાં કરી હતી.
છેલ્લાં અનેક વર્ષોથી મહારાષ્ટ્ર અને કર્ણાટક સીમાવિવાદ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. બંને રાજ્યોએ સંયમથી વર્તવું જોઈએ, પરંતુ કર્ણાટક સરકાર દ્વારા સંયમ નથી દાખવવામાં આવી રહ્યો એવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો .
આ ઉપરાંત મુખ્ય પ્રધાનને પણ આડે હાથ લેતા તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો ભગવાન ભરોસે છે અને મુખ્ય પ્રધાન દિલ્હીની મુલાકાતો લઈ રહ્યા છે. મુખ્ય પ્રધાન હિંદુત્વમાં માને છે, એટલે તેઓ વારંવાર દેવ-દર્શન કરવા જાય છે. તેમને માનતાઓ રાખવી અને માનતાઓ પૂરી કરવા માટે વારંવાર દિલ્હી જવું પડે છે. આમાં મહારાષ્ટ્રનું ભલું ક્યાં છે, એવો સવાલ પણ તેમણે કર્યો હતો. આજે પણ મુખ્ય પ્રધાન દિલ્હીમાં છે, પણ આટલી બધી દિલ્હીની મુલાકાતોમાં મહારાષ્ટ્રનો મુદ્દો ક્યાં છે. સરકાર અનૈતિક છે એટલે તેમની પાસેથી શું અપેક્ષા રાખવી એવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.