મુંબઈઃ શિવસેના અને ધનુષ્યબાણનું ચૂંટણી ચિહ્ન ગુમાવી દીધા બાદ ઉદ્વવ ઠાકરેએ પત્રકાર પરિષદ બોલાવી હતી અને પત્રકાર પરિષદમાં તેમણે ભાજપા પર નિશાનો સાધ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે લોકશાહીનો અંત આવ્યો છે એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જાહેર કરવું જોઈએ. આ ઉપરાંત તેમણે ચૂંટણી પંતના નિર્ણયની સામે સુપ્રીમ કોર્ટમાં જવાના હોવાનું પણ જણાવ્યું હતું.
ઉદ્ધવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચનો આ નિર્ણય લોકશાહી માટે ઘાતક છે. સ્વાતંત્ર્યના 75મા વર્ષની ઉજવણી ચાલી રહી છે અને એ જ નિમિત્તે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી 75 વર્ષની સ્વતંત્રતા પૂરી થઈ ગઈ છે એવું જાહેર કરવું જોઈએ. લોકશાહીને આદરાંજલિ આપીને તાનાશાહીની શરૂઆત થઈ હોવાનું પીએમ મોદીએ જાહેર કરવું જોઈએ.
ન્યાય વ્યવસ્થા કઈ રીતે દબાણ હેઠળ આવી જાય છે એના અનેક ઉદાહરણો આપણે જોયા છે. આજનો આ નિર્ણય એકદમ જ અનપેક્ષિત છે, કારણ કે છ મહિના સુધી સર્વોચ્ચ ન્યાયાલયમાં આ પ્રકરણ ચાલી રહ્યું છે. જે રીતે આ બધું ચાલી રહ્યું છે એ જોતા એવું લાગી રહ્યું છે કે આગામી એક-બે મહિનામાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પણ જાહેર કરવામાં આવે એવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.
રાજમાન્યતા મળી તો પણ ચોર એ તો ચોર જ હોય છે, એવી ટિપ્પણી પણ ઉદ્ધવે પક્ષકાર પરિષદમાં કરી હતી. હિંમત હોય તો ચૂંટણી લડો. શિવસેના પ્રમુખના મંદિરના ધનુષ્યબાણના તેજનો પરચો જનતા શિંદે ગ્રુપ અને ભાજપાને ચોક્કસ જ આપશે, એવું પણ ઉદ્ધવે જણાવ્યું હતું.