મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેને શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન ગુમાવ્યા બાદ વધુ એક મોટો આંચકો લાગ્યો હતો. તેમના નજીકના નેતા અને સાથીદાર સુભાષ દેસાઈના પુત્ર ભૂષણ દેસાઈએ સોમવારે 13 માર્ચના CM એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા છે.
આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી પહેલાં જ ભૂષણ દેસાઈના શિંદે જૂથમાં પ્રવેશને એક માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. ભૂષણ દેસાઈ મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિંદે કેમ્પમાં જોડાયા હતા. ભૂષણનું નામ વિધાનસભા સત્રમાં MIDC જમીન કૌભાંડ કેસમાં સંડોવવામાં આવ્યું હતું અને આ મામલે સરકારે તપાસના આદેશ પણ આપ્યા હતા.
ભૂષણ દેસાઈના પિતા સુભાષ દેસાઈએ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીના શાસન દરમિયાન ઉદ્યોગ અને ખાણ મંત્રી તરીકે સેવા આપી હતી. સુભાષ દેસાઈને ઠાકરે પરિવારના નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેને ચૂંટણી પંચ દ્વારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને જ શિવસેનાનું ચિહ્ન અને નામ આપીને જોરદાર આંચકો આપ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચના નિર્ણયનો વિરોધ કરીને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી હતી, પરંતુ તેમને કોઈ રાહત મળી નહોતી. કોર્ટે ઠાકરે જૂથને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નામ અને ‘બળતી મશાલ’ના ચૂંટણી ચિન્હને આગળના આદેશ સુધી જાળવી રાખવાની મંજૂરી આપી છે.