મુંબઈઃ રાજ્યના સત્તા સંઘર્ષના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને એના પરથી જ જો શિંદે જૂથના વિધાનસભ્યો અપાત્ર ઠરે તો મિડ-ટર્મ ઈલેક્શન થશે, એવું ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું અને ઠાકરેના આ નિવેદન પર હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસના સર્વેસર્વા શરદ પવારે મંતવ્ય આપતા જણાવ્યું હતું કે તેમણે કયા આધારે આવું નિવેદન કર્યું છે, એની તો મને જાણ નથી. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા મને એવું લાગતું નથી.
પવારે પત્રકારો સાથે ચિંચવડની પેટા ચૂંટણી બાબતે ગઈકાલે ઓનલાઈન સંવાદ સાધતા તેમણે આવું નિવેદન આપ્યું હતું. દરમિયાન પુણેના કસબા પેઠ અને ચિંચવડ પેટા ચૂંટણી નિમિત્તે ઠાકરે જૂથના ઉદ્ધવ ઠાકરેએ મતદાો સાથે ઓનલાઈન સંવાદ સાધ્યો હતો. મહાવિકાસ આઘાડીના ઉમેદવારોને જંગી મતદાન કરીને વિજયી બનાવીને હુકમશાહી પર રોક લગાવવાનું આહ્વાન પણ તેમણે કર્યું હતું.
જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે એ જોતા મને લાગે છે કે રાજ્યમાં વિધાનસભા માટે મિડ-ટર્મ ઈલેક્શન થઈ શકે છે, કારણ કે વિધાનસભ્યોની અપાત્રતાનો જે મુદ્દો છે એ અંગે હાલમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાઈ રહી છે. તેથી જો એ વિધાનસભ્યો બાદ થાય તો મિડ-ટર્મ ઈલેક્શન થઈ શકે છે, એવું ઠાકરેએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.
ઠાકરેના આ નિવેદનના અનુસંધાનમાં પવારે જણાવ્યું હતું કે તેમણે કયા આધારે આ નિવેદન કર્યું છે એ મને ખ્યાલ નથી, પરંતુ રાજ્યની હાલની પરિસ્થિતિને જોતા તો એવું લાગી નથી રહ્યું કે રાજ્યમાં મિડ-ટર્મ ઈલેક્શન થાય.