મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે તેમના પિતા અને શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેની પુણ્યતિથિ પર તેમના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી હતી. ઉદ્ધવ ઠાકરે સાથે તેમના પુત્ર અને ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરે, રશ્મિ ઠાકરે, તેમના નેતૃત્વ હેઠળના સેના જૂથના નેતાઓ અને પક્ષના કાર્યકરો હતાં.
તેઓએ મુંબઈના દાદર વિસ્તારમાં શિવાજી પાર્ક સ્થિત સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી હતી. અગાઉ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમની આગેવાની હેઠળના સેના કેમ્પના અન્ય ૩૯ વિધાનસભ્યોએ બુધવારે રાતે બાળ ઠાકરેના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૭મી નવેમ્બર, ૨૦૧૨ના રોજ બાળાસાહેબ ઠાકરેનું અવસાન થયું હતું.
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર આ વર્ષે જૂનમાં શિંદેની આગેવાની હેઠળના બળવા પછી પડી ભાંગી હતી. એકનાથ શિંદે બાદમાં ભાજપના સમર્થનથી મુખ્ય પ્રધાન બન્યા હતા.
શિંદે બાળાસાહેબની શિવસેનાના વડા છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)નું નેતૃત્વ કરે છે. (પીટીઆઈ)