મુંબઈ: સોમવારથી નાગપુરમાં શરૂ થયેલા વિધાનસભાના શિયાળુસત્રમાં વિરોધ પક્ષોએ અપેક્ષા મુજબ જ કર્ણાટક સાથેના સીમાવિવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સાંસદ ધૈર્યશીલ નામે પર પડોશી રાજ્યના બેલગામ જિલ્લામાં પ્રવેશવા પર લાદવામાં આવેલા પ્રતિબંધની નિંદા કરી હતી. અત્રે નોંધનીય છે કે સાંસદ માનેને તાજેતરમાં મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદવિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન અંગે મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
માનેએ બેલગામ જિલ્લા વહીવટીતંત્રને વિનંતી કરી હતી કે તેઓ શહેરમાં તેમની મુલાકાત માટે વ્યવસ્થા કરે. જોકે જિલ્લા સત્તાવાળાઓએ તેમના પ્રવેશ પર એમ કહીને પ્રતિબંધ લાદી દીધો હતો કે તેમના સંભવિત ભડકાવનારા ભાષણ કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ વિવાદ બેલગામ અને દક્ષિણ રાજ્યના કેટલાક અન્ય સરહદી વિસ્તારો પર મહારાષ્ટ્રના દાવા સાથે સંબંધિત છે જેમાં મોટી સંખ્યામાં મરાઠીભાષી વસતિ છે.
વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવારે આ અંગે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે સોેમવારે મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ (એમઈએસ)ની બેઠક હતી જેમાં મહારાષ્ટ્રના કેટલાક નેતાઓ અને અન્ય લોકોને કર્ણાટક સરકારે અટકાવ્યા હતા.
શિવસેનાના સાંસદ ધૈર્યશીલ માનેને બેલગામમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ, એવું અજિત પવારે રાજ્ય સરકારની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું. પવારે માગણી કરી હતી કે સરકારે આ અંગે માહિતી એકઠી કરવી જોઇએ અને ગૃહને તેની જાણ કરવી જોઇએ.
વિધાનપરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ પણ માને પર બેલગામની મુલાકાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેની ટીકા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એમઈએસે બેલગામને મહારાષ્ટ્ર સાથે જોડી દેવાની માગણી કરી છે અને દાવો કર્યો છે કે અહીં મોટા ભાગની સંખ્યા મરાઠીભાષી છે.
(પીટીઆઈ)