માણસ જ્યારે જીવનનું લક્ષ્ય ગુમાવી દે અથવા તો જીવનમાં રસ ગુમાવી દે ત્યારે તે મોત તરફ આગળ વધતો હોય છે. આપઘાતના કિસ્સાઓ જેમ વધે છે તેમ તેમ આ વાત સામે આવે છે. તકલીફો, નિરાશા, નિષ્ફળતા સૌના જીવનમાં આવે છે, પરંતુ તેમાંથી બહાર નીકળી સારુ જીવન જીવવાની ઈચ્છા જ માણસને જીવતો રાખે છે. અમુક ઉંમર બાદ જીવનમાં રસ ઓછો થાય તો તે સમજી શકાય, પરંતુ હજુ ઊગીને નીકળેલા યુવાનો જીવતર ટૂંકાવી નાખે ત્યારે માત્ર પરિવાર જ નહીં, સમાજ પણ ચિંતામાં મૂકાઈ છે. સુરતમાં આવી બે ઘટનામાં ૧૮ ને ૧૯ વષર્ના યુવાનોએ આત્મહત્યા કરી છે. તેમના જીવનમાં એવી કોઈ અતિ ગંભીર ઘટના બન્યાનું જણાતું નથી.
અહીંના હાર્દિક નામના એક યુવકે ઘરે જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. ૧૮ વષર્ના આ યુવકે મોતને વહાલુ કરતા પહેલા માતાને વોટ્સ એપ મેસેજ કરી સોરી મમ્મી લખ્યું હતું. પરિવારના કહેવા અનુસાર એવી કોઈ ઘટના ન હતી બની જેને લઈને તેણે આવું પગલું ભરવું પડે. તો રાજુલાથી માત્ર પાંચ દિવસ પહેલા સુરત આવેલા અને આયુર્વેદિક વિજ્ઞાનનો અભ્યાસ કરતા આશિષ નામના ૧૯ વર્ષના યુવકે સંબંધીના ઘરેના દસમા માળેથી છલાંગ લગાવી મોતને વહાલું કર્યું હતું.
આશિષનો ભાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાથી તે દુઃખી રહેતો હોવાનું જાણવા મળ્યું છે. તેણે સ્યૂસાઈડ નોટમાં કોઈને જવાબદાર ન ગણવા અને પોતે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું લખ્યું છે. સવાલ એ છે કે માનસિક રીતે આપણે દિવસે દિવસે આટલા નબળા કઈ રીતે થઈએ છીએ કે કોઈનો વિચાર ન કરતા અંતિમ પગલું ભરવા તરફ જઈએ છીએ. ઘણા મનોવૈજ્ઞાનિકો, મનોચિકિત્સકો અને ચિંતકો ઘણાયે ઉપાયો સૂચવે છે, પરંતુ આપઘાત ઘટવા ને બદલે વધી રહ્યા છે તે હકીકત નકારી શકાય તેમ નથી.