કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કારણે દેશમાં બે લોકોના મોત થયા છે. હરિયાણા અને કર્ણાટક બંને રાજ્યોમાં એક-એક દર્દીના મોત નીપજ્યા છે. દેશમાં H3N2 વાયરસના લગભગ 90 કેસ નોંધાયા છે. H1N1 વાયરસના પણ આઠ પણ નોંધાયા છે.
દેશમાં ફ્લૂના કેસો વધી રહ્યા છે. તેમના કેટલાક દર્દીઓ H3N2 વાયરસથી ચેપગ્રસ્ત થયા છે, જેને “હોંગકોંગ ફ્લૂ” તરીકે પણ ઓળખવામાં આવે છે. નિષ્ણાતોના કહ્યા પ્રમાણે કે ઈન્ફલ્યુએન્ઝાના અન્ય પેટા પ્રકારો કરતા H3N2 વાયરસને કારણે હોસ્પીટલાઈઝેશનનું પ્રમાણ વધુ છે.
H3N2 ઈન્ફલ્યુએન્ઝા A નો સબટાઈપ વાયરસ છે, જેને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ પણ એક એડવાઈઝરી જારી કરી છે. આ રોગના લક્ષણોમાં તાવ, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. દર્દીઓને ઉબકા, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો અને ઝાડા થયા હોવાનું પણ નોંધાયું છે. આ લક્ષણો લગભગ એક અઠવાડિયા સુધી રહે છે.
જો તમને પણ આવા લક્ષણો દેખાય છે, તો તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરો, આરામ કરો,પાણી પીતા રહો શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. બહારનો ખોરાક બિલકુલ ન ખાવો અને બની શકે તો પ્રવાહી ખોરાક લો. તેનાથી તમને જલ્દી રાહત મળશે. ફ્લૂની રસી લગાવી લો, સાથે જ વાયરસથી સંક્રમિત લોકોથી અંતર રાખવું જોઈએ. તમારા હાથને સ્વચ્છ રાખો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો.
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પણ ફરી એકવાર જોર પકડી રહ્યું છે. એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 379 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,89,072 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 3,177 થઈ ગઈ છે.