પંદરમી ઓગસ્ટ સુધીમાં આટલા શહેરને જોડવામાં આવશે
ભારતીય રેલવે ટૂંક સમયમાં વધુ બે રાજ્યને વંદે ભારતની ટ્રેનની ભેટ આપશે. તેલંગના અને બિહારમાં વંદે ભારત ટ્રેન દોડાવવાની યોજના ઘડી કાઢવામાં આવી છે. અત્યાર સુધીમાં આ બંને રાજ્યમાં આ ટ્રેન દોડાવવામાં આવી નથી, તેથી આ બંને રાજ્યની પસંદગી કરવામાં આવી છે, જ્યારે આગામી વર્ષના પંદરમી ઓગસ્ટ સુધીમાં 75 શહેરને જોડવામાં આવશે, એમ રેલવે મંત્રાલયે જણાવ્યું હતું.
રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ ડિસેમ્બર મહિનામાં બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની શક્યતા છે. જોકે, નવી વંદે ભારત એક્સપ્રેસના રુટને લઈને અત્યાર સુધીમાં મંત્રાલયે નિર્ણય લીધો નથી. વંદે ભારત એક્સપ્રેસનું નિર્માણ આઈસીએફ (ચેન્નઈ ઈન્ટિગ્રલ કોચ ફેકટરી)માં થાય છે. વધુ બે વંદે ભારત એક્સપ્રેસ તેલંગના અને બિહાર રાજ્યમાં દોડાવવામાં આવશે, તેમાંય વળી સૌથી વધુ પ્રવાસીની સંખ્યા ધરાવનારા રેલવે રુટની પસંદગી કરવામાં આવશે.
અહીં એ વાત જણાવવાની કે હાલની વંદે ભારત એક્સપ્રેસ કરતા નવી વંદે ભારત એકદમ આધુનિક હશે, જે 52 સેકન્ડમાં 100 કિલોમીટરની ઝડપથી દોડાવી શકાશે. વંદે ભારત ટ્રેન સંપૂર્ણ એસી (એર કન્ડિશન્ડ) તથા ટ્રેનના દરવાજા ઓટોમેટિક છે. ઉપરાંત, ટ્રેનમાં ઈન્ફ્રર્મેશન સિસ્ટમ, સીસીટીવી કેમેરા, વૈક્યુમ ટોઈલેટ છે. એના સિવાય ટ્રેનમાં પાવર બેકઅપની સાથે ટ્રેનમાં સુરક્ષા કવચ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેન ભારતમાં જ નહીં, પરંતુ દુનિયામાં લોકપ્રિય બની રહી છે, જેમાં આગામી વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં 75 શહેરને વંદે ભારત ટ્રેન સાથે જોડવામાં આવશે.