(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરલી કોળીવાડામાં તરવા માટે ગયેલાં પાંચ બાળકમાંથી બે સગીરવયના બાળકના ડૂબી જવાથી મૃત્યુ થયાં છે. બાકીના ત્રણ જણની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ શુક્રવારે બપોરના ૩.૩૦ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. વરલી કોળીવાડામાં હનુમાન મંદિર નજીક માછીમાર કોલોનીમાં દરિયામાં પાસે રમતાં હતાં. રમતાં-રમતાં આ પાંચ બાળક દરિયાની અંદર સુધી જતા રહ્યા હતાં. તમામ બાળકની ઉંમર દસથી બાર વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે.
દરિયામાં રમતા રમતા લગભગ ૩.૪૦ વાગ્યાની આસપાસ આ બાળકો દરિયાના પાણીમાં ડૂબવા માંડ્યાં હતાં. સ્થાનિકોનું ધ્યાન જતા તેમના બચાવ માટે તુરંત દરિયામાં દોડી ગયા હતા. દરિયામાંથી તેમને બહાર કાઢીને તેમને તુરંત દાદરમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે, હૉસ્પિટલમાં પાંચેય જણને લઈ જવામાં આવ્યા હતા, જ્યારે બે બાળકની સારવાર પહેલાં જ મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં. મૃતકોમાં કાર્તિક ચૌધરી (આઠ) અને સવિતા પાલ (12)નો સમાવેશ થાય છે. હાલમાં ૧૩ વર્ષની કાર્તિકી ગૌતમ પાટીલને પરેલમાં આવેલી પાલિકા સંચાલિત કે. ઈ. એમ. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યારે ૧૦ વર્ષના આર્યન ચૌધરી અને ૧૪ વર્ષના ઓમ પાલ પર ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, એમ સત્તાવાર જણાવાયું છે.