મહેસાણામાં સાબરમતી નદી પાસે સેલ્ફી લેતી વખતે સર્જાયેલા અકસ્માતમાં બે યુવકોના મોત થયાની ઘટના બનતા ફરી સેલ્ફી માટે જોવા મળતા ક્રેઝની ચર્ચા શરૂ થઈ છે.
સાબરમતી નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થઈ ગયા છે. આ યુવકો અમદાવાદથી એક પ્રસંગમાં આગલોડ ગામે ગયા હતા ત્યાં તેઓ સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતા તેમાં પડ્યા હતા અને ડૂબી જવાથી તેમના મોત થઈ ગયા છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ આરંભવામાં આવી છે.
આ ઘટનાની વિગતો એવી છે કે અમદાવાદના બે યુવકો વિજાપુરના આગલોડમાં એક સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન બે યુવકો સાબરમતી નદીમાં સેલ્ફી લેવા માટે પહોંચ્યા હતા જ્યાં ડૂબી જવાથી તેમનું મોત થઈ ગયું છે. આ ઘટનામાં ડૂબી જતા યુવકને બચાવવા માટે પડેલા યુવકનું પણ મોત થઈ ગયું છે.
સેલ્ફી લેતી વખતે એક યુવકનો પહેલા પગ લપસી ગયો હતો, જે બાદ અન્ય યુવક બચાવવા માટે પડ્યો હતો. આ ઘટનામાં બે યુવકોના મોત થયા બાદ બચાવ ટીમને આ અંગે જાણ થતા તેમના મૃતદેહને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે ઘટનાની જાણ મોડી થઈ હોવાનું સાંભળવા મળ્યું છે.