મોતને નજીકથી જોયા એક યુવક અને એક યુવતી જીવી ગયા. આનો શ્રેય જાય છે સુરત ફાયરબ્રિગડે અને અહીંના રહેવાસીઓને. એક ઘટનામાં સુરતના ડીંડોલી સ્થિત કરડવા ગામ ખાતે એક યુવક અંદાજીત 80 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો હતો. આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી તેને બચાવ્યો હતો.
રાહુલ નામના આ યુવકને બહાર કાઢવામાં ફાયર બ્રિગેડે બારે જહેમત ઉઠાવી હતી.
ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવક કૂવાનાં પાણીમાં ડૂબી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ તાત્કાલિક રિંગબોયા કૂવામાં નાંખવામાં આવી હતી. જેથી યુવકે રિંગબોયા પકડી લેતા ડૂબતો બચ્યો હતો. ત્યારબાદ લેડર સાથે ફાયરના બે જવાન કૂવામાં ઉતર્યા હતા અને યુવકને કમરમાંથી બાંધી ઉપર ખેંચવામાં આવ્યો હતો. આ કૂવામાં આશરે 15થી 20 ફૂટ જેટલું પાણી હતું. જોકે આખરે ફાયર વિભાગની ટીમે યુકને બચાવી લીધો હતો. જો બીજી ઘટનામાં
સુરતના મક્કાઈપુલ પરથી એક 19 વર્ષીય યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યાં હાજર સ્થાનિક લોકોએ યુવતીને બચાવી લીધી હતી. બીજી તરફ ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે યુવતીને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલ ખસેડી હતી.
યુવતીને તાપી નદીમાં કૂદતી જોઈ ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા. બીજી તરફ સ્થાનિકોએ બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી. આ દરમિયાન ત્યાં સ્થાનિક તરવૈયાઓએ તાપી નદીમાં કૂદી યુવતીને બચાવી લીધી હતી. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. યુવતીએ પગલું શા માટે ભર્યું તે જાણામાં આવ્યું નથી, પરંતુ ફાયર બ્રિગેટ અને સ્થાનિકોને લીધે બે જીવ બચી ગયા.