ગુજરાતમાં પત્રકારિતા, રાજનીતિને શરમાવે તેવો કિસ્સો બન્યો છે. જોકે બે પત્રકાર અને એક રાજનેતાના આ કારસાને એટીએસે પકડી પાડ્યો હતો. અહીંના ભૂતપૂર્વ પોલીસ અધિકારીને બદનામ કરવા માટે ખોટી એફિડેવિટ વાઈરલ કરનાર બે પત્રકાર અને ભાજપના નેતા સહિત પાંચ લોકોની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. આઈપીએસ અધિકારી પાસેથી પૈસા પડાવવા માટે થઈને આખું કાવતરું ઘડ્યું હોવાનું બહાર આવતા પોલીસજગતમાં ખળભળાટ મચ્યો છે. પાંચ આરોપી પૈકી એક આરોપી નેતા મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર પીડિત મહિલાને દબાણમાં લાવી અને તેમના નામે પોલીસ અધિકારીએ બે વાર બળાત્કાર કર્યો હોવાની એફિડેવિટમાં સહીઓ કરાવી લીધી હતી. એફિડેવિટમાં આરોપી તરીકે જે અધિકારીનું નામ લખવામાં આવ્યું હતું તે અધિકારીનો આ ગુના સાથે કોઈ સંબંધ ન હતો. તેમની પાસેથી પૈસા ખંખેરવા આ કારસ્તાન ગોઠવવામાં આવ્યું હતું. નામ ખોટી રીતે લખાવી તેને મીડિયામાં આપી અને પોલીસ અધિકારી પાસેથી પૈસા પડાવવાનો કાવતરાનો ગુજરાત એટીએસ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. બે પત્રકાર સહિત પાંચ લોકો સામે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ એટીએસ દ્વારા પાંચ આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
એટીએસે આપેલી માહિતી અનુસાર મહિલા બળાત્કારનો ગુનો નોંધાવા ગઈ તે પહેલા જી.કે. પ્રજાપતિ ઉર્ફે દાદાના સંપર્કમાં આવી હતી. મહિલાના જણાવ્યા અનુસાર ચાંદખેડાના બંગલામાં કોઈએ પોતાની જાતને મોટા પોલીસ અધિકારી હોવાની ઓળખાણ આપી તેમની સાથે એક કામના બદલામાં શારિરીક બળજબરી કરી હતી. આ અંગે તેમણે પ્રજાપિતને જણાવતા તેમણે સુરેશ જાદવ નામના એક વ્યક્તિની ઓળખાણ કરાવી હતી. આ બન્નેએ અન્ય બે પત્રકારની મદદથી મહિલાના નામે એફિડેવિટ બનાવી હતી, જેમાં પૂર્વ આઈપીએસ અધિકારીનું નામ લખી તેના પર મહિલા સાથે બળાત્કાર કર્યાનો આક્ષેપ મૂક્યો હતો. પત્રકારોએ પૈસા લઈ તેને છાપામાં છાપ્યું હતું અને અધિકારીની બદનામી થઈ હતી. મહિલાની જાણ બહાર આ એફિડેવિટમાં ફરેફારો કરવામાં આવ્યા હતા. આ ટોળકીનો મનસૂબો આ રીતે પોલીસ અધિકારીઓને ફસાવી રોકડી કરવાનો હતો, પરંતુ એટીએસે તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું. આરોપીઓએ અધિકારીઓ ને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાનો ભય ઊભો કરવા માટે પોલીસ ઓફિસોમાં જઈ અને તેના તાબાના તેમજ અન્ય અધિકારીનો વારંવાર સંપર્ક કર્યો હતો વચેટીયાઓનો પણ તેઓએ સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જી.કે. પ્રજાપતિ અને હરેશ જાદવે પત્રકાર આશુતોષ પંડ્યા અને કાર્તિક જાની અને મહેન્દ્ર સિંહ પરમારની ધરપકડ કરી છે.