સૌરાષ્ટ્રનું જામનગર હાલમાં ચર્ચામાં છે. અહીંની બે ખેલાડીને આઈપીએલ રમવાનો મોકો મળે તેવી પૂરી સંભાવના છે. માત્ર એ જોવાનું કે વિમેન્સ આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી 13 ફેબ્રુઆરીએ થવાની છે ત્યારે આ ખેલાડીઓને કેટલા ભાવ મળે છે. જયશ્રી જાડેજા અને નેહા ચાવડા નામની આ બન્ને ખેલાડીએ પોતાની બેઝ પ્રાઈઝ દસ લાખ નક્કી કરી છે.
ટૂર્નામેન્ટમાં સામેલ થનારા તમામ ખેલાડીઓનું લિસ્ટ ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા છે. 24 ખેલાડીઓએ આ બેઝ પ્રાઈસ માટે પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે મતલબ કે તેમની હરાજી 50 લાખ રૂપિયાથી શરૂ થશે. 10 ભારતીય ખેલાડીઓ આ બેઝ પ્રાઈસમાં સામેલ છે તો 14 વિદેશી ખેલાડીઓ એવા છે જેમણે પોતાની કિંમત 50 લાખ રૂપિયા નક્કી કરી છે.ભારતીય ખેલાડીઓમાં હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તી શર્મા, રેણુકા સિંહ, જેમિમા રોડ્રિગ્સ, શૈફાલી વર્મા, પૂજા વસ્ત્રાકર, ઋચા ઘોષ, સ્નેહ રાણા અને મેઘના સિંહ એવા ખેલાડી છે જેમણે પોતાની મુળ કિંમત 50 લાખ રૂપિયા નક્કી કરી છે. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયાની એશલે ગાર્ડનર, એલિસ પેરી, મેગ લૈર્નિંગ, એલિસા હિલી, જેસ જોનાસેન, ડાર્સી બ્રાઉન, ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન, નેટ સાઈવર-બ્રન્ટ, ડૈની વ્યાટ, કૈથરીન સાયવર-બ્રન્ટ, ન્યુઝીલેન્ડની સોફી ડિવાઈન, આફ્રિકાની સિનાલો જાફ્તા, વિન્ડિઝની ડિયાન્ડ્રા ડોટિન અને ઝીમ્બાબ્વેની લોરિન ફિરી એવી ખેલાડી છે જેમણે પોતાની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા નક્કી કરીને રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે સૌરાષ્ટ્રના માત્ર બે જ ખેલાડીના નામ યાદીમા છે.
આ ટૂર્નામેન્ટમાં ભારત સહિત દુનિયાભરના ખેલાડીઓ સામેલ છે. લીગના તમામ 22 મેચ 4થી 26 માર્ચ સુધી મુંબઈમાં રમાશે. કુલ 409 ખેલાડીઓના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 246 ભારતીય છે. ભારતીયોમાં સૌથી વધુ 21 ખેલાડી કર્ણાટક અને 20 મહારાષ્ટ્રના છે.