મહેસાણા-ગાંધીનગરમાં ખાસ કરીને યુવાનોમાં અમેરિકામાં યેનકેન પ્રકારે ઘુસવાની ઘેલછા ઘર કરી ગઈ છે. આ રીતે ઘૂસણખોરીના વરવા પરિણામોની જાણ હોવા છતાં લોકો ગેરકાનૂની માર્ગ અપનાવી વિદેશમાં ઘૂસણખોરી કરવા જાય છે. ફરી આવી ઘટના ગુજરાતના મહેસાણાના પરિવાર સાથે બની છે. ગાંધીનગરના કલોલના બે યુવકો કેનેડામાં ગુમ થયાના સમાચારથી પરિવારજનો ચિંતામાં છે. બન્ને વિદ્યાર્થી સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયા હતા અને 20 દિવસથી પરિવારજનો તેઓનો સંપર્ક કરી શક્યા નથી. પરિવારે કેનેડાની એમ્બેસીને રજૂઆત કરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહેસાણાના બે યુવકો સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયા હતા અને અહીં તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ફિરાકમાં હતા. મળતી વિગતો અનુસાર 12 વ્યક્તિના ગ્રુપમાં આ બે યુવકો કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર ઘુસવાના હતા, પરંતુ હવે છેલ્લા 20 દિવસથી આ બન્ને યુવકોનો કોઈ સંપર્ક ન થતા પરિવાર ચિંતામાં મૂકાય ગયો છે. ડીંગુચાની ઘટના હજુ બધાને યાદ જ છે જેમા ગેરકાયદેસર કેનેડાની બોર્ડર ક્રોસ કરી અમેરિકા જવામાં ઘેલસામાં 4 વ્યક્તિના મોત થયા હતા. 39 વર્ષના જગદીશ પટેલ, 37 વર્ષના તેમના પત્ની, 12 વર્ષની વીહંગી અને 3 વર્ષનો ધાર્મિક મોતને ભેટ્યા હતા. ભયંકર ઠંડીના કારણે આ ચારેય લોકોના મોત થયા હતા. ઉપરાંત કલોલના બ્રિજ કુમાર યાદવનું પણ ટ્રમ્પ વોલ પરથી પડી જવાથી મોત થયું હતું. આ સ્થિતિમાં મહેસાણાના યુવકો ગુમ થતા પરિવારની સ્થિતિ દયનિય બની ગઈ છે.
ડિંગુચાની ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ અને દૂતાવાસ સતર્ક બન્યા છે અને આ રીતે લોકોને ગેરકાયદે અમેરિકા ઘૂસાડનારા ઘણા એજન્ટ પોલીસના તાબા છે તો અમુકની શોધ થઈ રહી છે, પરંતુ લોકોએ પોતે જ સતર્ક રહેવાની જરૂર છે. વિદેશ જવાના કાનૂની માર્ગ છે, તે રીતે જવું જોઈએ.