ઘર ખરીદદારો સાથે ₹ ૧૧ કરોડની છેતરપિંડી કરવા બદલ મોફા હેઠળ કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘર ખરીદદારો સાથે રૂ. ૧૧ કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ગુરુવારે જાણીતી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ફર્મ નિર્મલ લાઇફસ્ટાઇલ લિમિટેડના બે ડિરેક્ટર ધર્મેશ જૈન (૫૫) અને રાજીવ જૈન (૩૪)ની ભારતીય દંડસંહિતા અને મોફા કાયદાની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી હતી.
ઘર ખરીદદારોએ એવો દાવો કર્યો હતો કે ડેવલપરે ૨૦૧૧ મુલુંડ પશ્ર્ચિમમાં વિવિધ પ્રોજેક્ટમાં ફ્લેટ વેચવાને નામે તેમની પાસેથી પૈસા લીધા હતા. જોકે તેમને હજી સુધી ફ્લેટનો તાબો મળ્યો નથી. ૨૦૨૨માં આ પ્રકરણે ડેવલપર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે ડેવલપરે ૨૦૧૭માં લોકોને ફ્લેટનો તાબો આપવાનો વાયદો કર્યો હતો, પણ તેણે બાંધકામ ચાલુ કર્યું જ નહોતું.
આર્થિક ગુના શાખાના અધિકારીના જણાવ્યા અનુસાર નિર્મલ લાઇફસ્ટાઇલના ડેવલપરે મુલુંડમાં ઓલમ્પિયા, ઓમેગા, પેનોરમા અને નિર્મલ
વન સ્પિરિટ નામના ચાર પ્રોજેક્ટ હાથ ધર્યાં હતાં અને કથિત રીતે લોકો પાસેથી ફ્લેટ બૂકિંગના પૈસા લીધા હતા. ડેવલપરે તેમને ૨૦૧૭માં ફ્લેટનો તાબો આપવાનો વાયદો કર્યો હતો, પણ નાણાં લીધા છતાં તે નિર્ધારિત સમયમર્યાદામાં તાબો આપવામાં નિષ્ફળ ગયા હતા અને તાબો આપવામાં વિલંબ કરી રહ્યા હતા.
ડેવલપર દ્વારા પ્રોજેક્ટનું કામ હાથ ધરવામાં આવ્યું ન હોવાનું જાણ્યા બાદ એ ચારેય પ્રોજેક્ટમાં ઘર ખરીદનારા ગ્રાહકોએ ભેગા થઈને નિર્મલ લાઇફસ્ટાઇલ હોમ બાયર્સ રેડ્રેસલ એસો.ની રચના કરી હતી. આ એસોસિયેશનના અધ્યક્ષ સુનીલ કુમાર અરોરા સહિત ૩૩ લોકોએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ૨૦૨૨માં મુલુંડ પોલીસ સ્ટેશનમાં ધર્મેશ જૈન, રાજીવ જૈન અને પૂજા જૈન વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં આર્થિક ગુના શાખાના હાઉસિંગ ફ્રોડ-૨ યુનિટને કેસની તપાસ સોંપવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ડેવલપરે પાલિકા સહિત સંબંધિત વિભાગો પાસેથી સંબંધિત પરવાનગીઓ મેળવી લીધી હતી, પણ આ પ્રોજેક્ટોનું બાંધકામ ક્યારેય શરૂ કરાયું જ નહોતું. પોલીસના જણાવ્યા અનુસાર ભારતીય દંડસંહિતા અને મહારાષ્ટ્ર ઓનરશિપ ઓફ ફ્લેટ્સ એક્ટ (મોફા)ની સંબંધિત કલમો હેઠળ ધર્મેશ અને રાજીવ જૈનની ધરપકડ કરવામાં આવી હતી. બંનેને કોર્ટમાં હાજર કરાતાં તેમને ૩ મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.