(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરલી કોળીવાડામાં તરવા માટે ગયેલાં પાંચ બાળકોમાંથી બે બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયાં છે. બાકીના ત્રણ પર ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ શુક્રવારે બપોરના લગભગ ૩.૩૦ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો, જેમાં વરલી કોળીવાડામાં હનુમાન મંદિર નજીક માછીમાર કોલોનીમાં દરિયામાં પાસે રમતાં હતાં. રમતાં-રમતાં આ પાંચ બાળકો દરિયાની અંદર સુધી જતા રહ્યા હતાં. તમામ બાળકોની ઉંમર ૧૦થી ૧૨ વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે.
આ દરમિયાન લગભગ ૩.૪૦ વાગ્યાની આસપાસ આ બાળકો દરિયામાં પાણીમાં ડૂબવા માંડ્યાં હતાં. સ્થાનિકોનું ધ્યાન જતા તેમના બચાવ માટે તુરંત દરિયામાં દોડી ગયા હતા. દરિયામાંથી તેમને બહાર કાઢીને તેમને તુરંત દાદરમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં જોકે પાંચમાંથી બે બાળકોને સારવાર પહેલાં જ મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં. મૃતકોમાં ૮ વર્ષનો કાર્તિક ચૌધરી અને ૧૨ વર્ષની સવિતા પાલનો સમાવેશ થાય છે. તો ૧૩ વર્ષની કાર્તિકી ગૌતમ પાટીલને પરેલમાં આવેલી પાલિકા સંચાલિત કે.ઈ.એમ. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે ૧૦ વર્ષના આર્યન ચૌધરી અને ૧૪ વર્ષના ઓમ પાલ પર ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.