ટેકનોલોજીના વ્યાપ સાથે તેની મદદથી છેતરામણી કરનારા પણ નવી નવી યુક્તિઓ અજમાવતા હોય છે. રાજકોટના એક વેપારીને મધ્ય પ્રદેશ, બિહારથી ફોન આવવા લાગ્યા અને પૈસા લીધા બાદ માલસામાન કેમ નથી મોકલતા તેવી ફરિયાદો થઈ. સાથે જીએસટી નંબર સાથેના બિલ પણ વોટ્સ એપ કરવામાં આવ્યા.
અચંબામાં પડી ગયેલા વેપારીએ પોલીસ ફરિયાદ કરી ત્યારે ખબર પડી કે તેમની કંપનીના નામે વોટ્સ એપ અકાઉન્ટ ખોલી લાખોની ડીલ થઈ ચૂકી છે.
રાજકોટમાં હાર્ડ વેર મેન્યુફેક્ચરિંગનો ધંધો કરતા મોહિત નામના વેપારીએ પોલીસનો સંપર્ક સાધ્યો અને તે બાદ પોલીસે આ જ ટેકનોલોજીની મદદથી અમદાવાદથી બે યુવક અભય અને આતિફને પકડ્યા હતા. રાજકોટના વેપારીએ પોતાની પ્રોડેક્ટની જાહેરાતો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના બિઝનેસ અકાઉન્ટ બનાવ્યા હતા અને જાહેરાતો કરતો રહેતો હતો. તેનો ફાયદો ઉઠાવી આ સાયબર ગઠિયાઓએ લાખોની છેતરપિંડી કરી લીધી હતી. પોલીસે તેમની અટક કરી છે અને તેમના ટ્રાન્સેક્શનની વિગતો પણ મેળવી લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.