અમદાવાદમાં ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચમાં તોફાન મચાવવા અને હુમલો કરવા અંગેનો પ્રિરેકોર્ડેડ મેસેજ ફરતો કરવામાં આવ્યો હતો. ઘરમાં રહો સુરક્ષિત રહો તેવો સંદેશ લોકોને આપવામાં આવ્યો હતો. આ કેસમાં અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચના સાઇબર સેલે ટ્રેસ કરીને મધ્ય પ્રદેશમાંથી બે કથિત ખાલિસ્તાની સમર્થકને ઝડપી પાડ્યા છે અને તેમને અમદાવાદ લાવવામાં આવી રહ્યાં હોવાની જાણકારી પોલીસ સૂત્રોએ આપી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા માટે દર્શકોએ અપેક્ષિત ઉત્સાહ દાખવ્યો નથી. પ્રથમ દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેચ સમયે હાજર હતા. ખાલિસ્તાનીઓનો મેચમાં ખલેલ ઉભી કરવા અંગેનો મેસેજ ફરતો થયા બાદ બન્ને વડાપ્રધાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો અને મેસેજને ટ્રેસ કરવામાં ક્રાઇમ બ્રાન્ચની સાઇબર સેલ લાગી ગઇ હતી.
મેસેજ ટ્રેસ કરવામાં સાઈબર સેલને સફળતા મળી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ મેસેજ પાકિસ્તાન બેઝ ખાલિસ્તાની ગ્રૂપનું ષડયંત્ર હોવાનું સામે આવ્યું હતું અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેને વાઈરલ કરવામાં આવી રહ્યો છે.
મેસેજ વાઈરલ સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચે મધ્ય પ્રદેશમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. ધમકી ભર્યો મેસેજ મળ્યા બાદ એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ દ્વારા સોશિયલ મીડિયામાં વોચ વધારી દેવામાં આવી છે. આ કેસમાં આરોપીઓએ સિમ બોક્સ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. જોકે આ આરોપીઓનું કામ માત્ર વીડિયો વાયરલ કરવાનું હતું ત્યારે ખરેખર વીડિયો ક્યાંથી આવ્યો અને કોણે બનાવ્યું તે મામલે પોલીસે તપાસ શરૂ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.