(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈથી રાતે અપહરણ કરવામાં આવેલી અઢી મહિનાની બાળકીનો પોલીસે છુટકારો કરાવીને દંપતીની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ મોહંમદ હનીફ ઇકબાલ મેમણ અને આફરીન મેમણ તરીકે થઇ હોઇ તેઓ વડાલા પૂર્વના શાંતિનગર ખાતે રહે છે. આરોપીઓ અપહૃત બાળકીને વેચવાના હતા, એવું તપાસમાં જણાયું હતું.
આઝાદ મેદાન પોલીસ સ્ટેશનની હદમાં એલ. ટી. માર્ગ પર સ્કૂલ નજીકના ફૂટપાથ પર મનીષા શેખર (૩૦) મંગળવારે રાતે પતિ અને ત્રણ સંતાન સાથે સૂતી હતી ત્યારે તેની અઢી મહિનાની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું. સવારે પુત્રી મળી ન આવતાં તેની શોધ ચલાવાઇ હતી અને બાદમાં આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
પોલીસે આ પ્રકરણે અજાણી વ્યક્તિ વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કર્યો હતો અને બાળકીની શોધ માટે વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા, જેમાં શકમંદ બાળકીને લઇ જતો નજરે પડ્યો હતો. આ ફૂટેજને આધારે શકમંદની શોધ ચલાવવામાં આવી હતી અને બાદમાં મળેલી માહિતીને આધારે એન્ટોપ હિલ વિસ્તારમાંથી આરોપીને તાબામાં લઇ બાળકીનો છુટકારા કરાવ્યો હતો.
આરોપીઓને બાદમાં પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં હતાં. પૂછપરછમાં આરોપીઓએ બાળકીને વેચવા માટે તેનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેમને ૩ નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.