જ્યારથી એલોન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી છે ત્યારથી કંપનીમાં હલચલ મચી ગઈ છે. કંપનીની કમાન સંભાળતાની સાથે જ મસ્કે લગભગ 3800 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી દીધો હતો. હવે એવા અહેવાલ છે કે મસ્કે કંપનીના કોન્ટ્રાક્ટ વર્કર્સને હટાવવાનું શરૂ કરી દીધું છે. ટ્વિટરમાં લગભગ 5500 કોન્ટ્રાક્ટ કામદારો છે, જેમાંથી લગભગ 4400 કર્મચારીઓને નોટિસ આપ્યા વિના કાઢી મૂકવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કર્મચારીઓને નોટિસ પણ આપવામાં આવી નથી. આ કોન્ટ્રાક્ટ કામદારોને ઓનલાઈન સેવાઓ અને ઈમેઈલની ઍક્સેસ પણ આપવામાં આવી રહી નથી. કોન્ટ્રાક્ટ કામદારોના સંચાલકોને પણ તેમની છટણી વિશે ખબર ન હતી. જ્યારે આ કોન્ટ્રાક્ટ કામદારો કામ માટે આવ્યા ન હતા, ત્યારે ખબર પડી કે તેમની છટણી કરવામાં આવી છે.
4 નવેમ્બરે ટ્વિટરે તેના કાયમી કર્મચારીઓને ઈ-મેલ મોકલીને તેમની હકાલપટ્ટી અંગે જાણ કરી હતી. હવે મસ્કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની છટણી શરૂ કરી છે. મોટી સંખ્યામાં કર્મચારીઓને બરતરફ કરવાને કારણે ટ્વિટરમાં સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે.
નોંધનીય છે કે જ્યારથી એલોન મસ્ક $44 બિલિયનના સોદામાં ટ્વિટર પર નિયંત્રણ મેળવ્યું છે , ત્યારથી તેઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે કડક પગલાં લઈ રહ્યા છે. સોશિયલ નેટવર્ક જાયન્ટે તાજેતરમાં કંપનીના અડધા કર્મચારીઓને કોઈ સૂચના વિના છૂટા કર્યા હતા. ટ્વિટર પ્લેટફોર્મ સંભાળ્યા પછી એલોન મસ્કે તરત જ ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ અને મુખ્ય નાણાકીય અધિકારી નેડ સેગલ તેમજ કાનૂની નીતિ, ટ્રસ્ટ અને સુરક્ષાના વડા વિજયા ગડ્ડેને બરતરફ કર્યા હતા.
ઉદ્યોગ-વ્યાપી મંદીએ અમેરિકાની સિલિકોન વેલીમાં હાહાકાર મચાવ્યો છે. ફેસબુક પેરન્ટ મેટાએ તાજેતરમાં વ્યાપક છટણીની જાહેરાત કરી હતી. ટ્વિટર, મેટા બાદ સિલિકોન વેલીની અનેક જાયન્ટ કંપનીઓ પણ તેમના માર્ગને અનુસરશે, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.