સોશિયલ મિડિયામાં ટિવટરનું નામ જાણીતું છે, જે એક કરતા અનેક વિવાદમાં રહે છે. તાજેતરમાં કંપનીના સ્ટોકમાં ઘટાડાની સાથે કંપનીમાં લેઓફ સાથે ભારતમાં હજારો એકાઉન્ટ બંધ કરવા મુદ્દે ચર્ચામાં છે.
જાણીતા ઉદ્યોગપતિ એલન મસ્ક દ્વારા સંચાલિત ટિવટરે ભારતમાં 26મી ઓક્ટોબરથી 25મી નવેમ્બરની વચ્ચે બાળકોના યૌન શોષણ અને અશ્લીલતાને પ્રોત્સાહન આપતા 45,589 એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ઉપરાંત, માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર આતંકવાદને પ્રોત્સાહન આપનારા 3,035 એકાઉન્ટ બંધ કર્યાં હતા.
સમીક્ષાગાળા દરમિયાન ભારતમાં કુલ મળીને 48,624 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાનો મુખ્ય ઉદ્દેશ કોઈ પણ પ્રકારના બનાવટી અને લોકોની ભાવનાઓને ભડકાવવાની પોસ્ટને રોકવાનો હતો.
ટિવટરના નવા આઈટી નિયમ, 2021ના અહેવાલમાં જણાવ્યું હતું એક જ સમયમર્યાદામાં ભારતમાં યૂઝર્સ તરફથી 755 ફરિયાદ મળી હતી અને તેમાંથી 121 યુઆરએલ પર કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું.