નવી દિલ્હીઃ ઈલોન મસ્ક દ્વારા જ્યારથી ટ્વિટરને ટેકઓવર કરવામાં આવ્યું ત્યારથી સતત તેને લઈને કોઈને કોઈ સમાચાર કે નવા નવા અપડેટ્સ આવતા જ રહે છે. દર બીજા કે ત્રીજા દિવસે, મસ્ક લોકોને ટ્વિટર સંબંધિત કોઈપણ નવા અપડેટ અથવા નવી નીતિ વિશે પોસ્ટ કરીને લોકોને તેની જાણ કરે છે. હાલમાં જ ઈલોન મસ્કે ટ્વિટર બ્લ્યુની જાહેરાત કરી હતી અને કહ્યું કે લોકોને હવે ટ્વિટર પર બ્લ્યુ ટિક મેળવવા માટે પૈસા ચૂકવવા પડશે.
હાલમાં, ટ્વિટર બ્લ્યુની સેવા ભારત સહિત અન્ય ઘણા દેશોમાં ઉપલબ્ધ છે. ટ્વિટર બ્લ્યુ આવ્યા બાદ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે જેમની પાસે ટ્વિટર પર પહેલાથી જ બ્લ્યુ ટિક છે તેમનું શું થશે? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન છે તો તમારા આ સવાલનો જવાબ ઓલરેડી ઈલોન મસ્કે આપી દીધો છે, આવો જોઈએ શું થશે આવા લોકોનું-
Dear @elonmusk the blue verification mark is now become a joke.
Earlier the blue tick verification was only given to ppl who were public figures and political figures but sadly today any Tom Dick n Harry gets verified.
Ur verification tick has lost the charm..— Ria (@RiaRevealed) February 10, 2023
ટ્વિટર પર રિયા નામની એક યુઝરે ઈલોન મસ્કને પૂછ્યું કે જેઓ ટ્વિટર પર પહેલાથી જ બ્લ્યુ ટિક ધરાવે છે તેમનું શું થશે? રિયાએ પોતાની પોસ્ટમાં આગળ એવું પણ લખ્યું છે કે અત્યાર સુધી આ બ્લ્યુ ટિક માત્ર ફેમસ વ્યક્તિ અને સેલિબ્રિટીઓને જ આપવામાં આવતી હતી. રિયાના આ સવાલના જવાબમાં ઈલોન મસ્કે કહ્યું કે ટૂંક સમયમાં જ મફતમાં મળતી બ્લ્યુ ટિક લોકો પાસેથી પાછી લઈ લેવામાં આવશે. એટલે કે, તેમના એકાઉન્ટમાંથી બ્લ્યુ ટિક હટાવી દેવામાં આવશે, હવે ફક્ત ટ્વિટર બ્લ્યુ સબસ્ક્રાઇબ કરનારાઓને જ બ્લ્યુ ટિક મળશે. ઈલોન મસ્કે પોતાના ટ્વીટમાં ‘લેગસી બ્લ્યુ ટિક’નો ઉલ્લેખ કર્યો છે.
વાસ્તવમાં, લેગસી બ્લ્યુ ટિક એ ટ્વિટરનું સૌથી જૂનું મોડલ અને પ્રથમ વેરિફિકેશન મોડલ હતું, જેના હેઠળ કંપની તમામ પ્રકારના લોકોને જેમ કે સંસ્થાઓ, સમાચાર સંસ્થાઓ, પત્રકારો, સ્પોર્ટ્સ કંપનીઓ, સરકાર વગેરેને બ્લ્યુ ટિક આપતી હતી. પરંતુ હવે ઈલોન મસ્ક તેને બદલી રહ્યા છે. હવે ફક્ત તે લોકોને જ બ્લ્યુ ટિક મળશે જે ટ્વિટર બ્લ્યુ સબસ્ક્રાઇબ કરશે. એવી વાત પણ સામે આવી રહી છે કે જો કોઈ વ્યક્તિ લેગસી બ્લુ ટિક મેળવવા માંગે છે, તો તેણે ટ્વિટરને જણાવવું પડશે કે તેનું એકાઉન્ટ કેમ વેરિફાઈ કરવું જોઈએ.
ભારતમાં ટ્વિટર બ્લ્યુ ફી
ટ્વિટર બ્લ્યુની સર્વિસ તાજેતરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. એન્ડ્રોઇડ અને iOS યુઝર્સે ટ્વિટર બ્લ્યુ માટે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે વેબ યુઝર્સે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે. ટ્વિટર બ્લ્યુમાં યુઝર્સને ટ્વીટ અનડૂ, લાંબો એચડી વીડિયો અપલોડ, સર્ચમાં પ્રાયોરિટી વગેરે જેવી ઘણી સુવિધાઓ મળે છે.