કેન્દ્ર સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી બીબીસી ડોક્યુમેન્ટરી શેર કરતી ટ્વીટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. બીબીસી ડોક્યુમેન્ટરીની યુટ્યુબ લિંક શેર કરતી ટ્વીટને પણ બ્લોક કરી દેવામાં આવી છે. સૂત્રોના હવાલાથી આ માહિતી સામે આવી છે. સૂત્રોનું માનીએ તો માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ માટે સૂચનાઓ જારી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંત્રાલયે આદેશ આપ્યો છે કે યુટ્યુબ પર શેર કરવામાં આવેલ બીબીસી ડોક્યુમેન્ટરીના પહેલા એપિસોડના તમામ વીડિયોને બ્લોક કરવામાં આવે.
આ સિવાય ટ્વિટરને આ ડોક્યુમેન્ટરીના પહેલા એપિસોડની યુટ્યુબ લિંક ધરાવતી 50 થી વધુ ટ્વીટ્સને બ્લોક કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ આદેશ બાદ, “ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન” શીર્ષકવાળી ડોક્યુમેન્ટરીના કેટલાક ટ્વીટ્સ અને યુટ્યુબ વીડિયો હવે માઇક્રોબ્લોગિંગ અને વિડિયો-શેરિંગ વેબસાઇટ્સ પર દેખાતા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આઈટી નિયમો 2021 હેઠળ ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને આ આદેશ આપવામાં આવ્યો છે.
બીબીસીએ ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન નામની બે ભાગની શ્રેણીનું નિર્માણ કર્યું છે. આ શ્રેણી ગુજરાતમાં 2002ના રમખાણો વિશે છે, જ્યારે મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા. આ ડોક્યુમેન્ટરી બ્રિટનના પબ્લિક બ્રોડકાસ્ટર બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે તેને પ્રચારનો એક ભાગ ગણાવ્યો હતો. બીબીસી ડોક્યુમેન્ટરી પર ગુરુવારે નવી દિલ્હીમાં પત્રકારોના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, “અમને લાગે છે કે આ એક પ્રચારનો ભાગ છે, જે પીએમ મોદીને બદનામ કરવા માટે રચાયેલ છે. તેમાં પક્ષપાતી વલણ, ઉદ્દેશ્યનો અભાવ અને સતત વસાહતી માનસિકતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુટ્યુબે ફરીથી વીડિયો અપલોડ કરવા પર બ્લોક કરવાની ધમકી આપી છે.
આ પહેલા કોંગ્રેસે શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ પણ 2002ના રમખાણોની સત્યતાથી ડરે છે અને બીબીસીની ડોક્યુમેન્ટરીને બ્લોક કરવી એ લોકશાહી વિરોધી પગલું છે. વિપક્ષ કોંગ્રેસે કહ્યું હતું કે મોદી સરકાર સત્યને ઢાંકવાની ગમે તેટલી કોશિશ કરે, દુનિયા સત્ય જુએ છે.