અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
સંતસાહિત્યના અનેક ભજનોમાં નિરાકાર, અનિર્વચનીય, અનાદિ, નિર્ગુણ બ્રહ્મની, સંતસાધનાની, શબ્દસુરત યોગની સાધનાની અનુભૂતિ માટે ગૂઢ સંખ્યાવાચક પારિભાષ્ાિક શબ્દો વારંવાર જોવા મળે. આજે વાત કરવી છે ‘બાર’ અને ‘સોળ’ના અંક ધરાવતા કેટલાક શબ્દોની…
પોતાની વાત સંપૂર્ણ સો ટકા સત્ય છે એની ખાતરી આપવા સંતકવિઓ એક શબ્દપ્રયોગ કરે છે ‘સોળ વાલ ને એક રતિ.’ આપણે ત્યાં પ્રાચીન સમયમાં કોઈપણ ચીજવસ્તુનું મૂલ્ય નક્કી કરવા, તોલ કરવા- વજન કરવા માટે સામેના ત્રાજવામાં અન્ય ચીજ મૂક્વામાં આવતી. જેમ કે સોનું જોખવું હોય તો ચોખા ચણોઠી, વાલ, વગેરે વનસ્પતિના બીજથી તોલ કરવામાં આવતો. સોના જેવી કિંમતિ ધાતુ જોખવા માટે જે માપ નક્કી કરેલું તે મુજબ ૭૬૮ ચોખાના દાણા એટલે ૯૬ રતિ કે ચણોઠી કહેવાય. ૯૬ રતિ/ચણોઠી એટલે ૩ર વાલ કહેવાય. ૩ર વાલ એટલે ૧ર માસા કહેવાય. ૧ર માસા એટલે બે ગદિયાણા અને બે ગદિયાણા એટલે એક તોલો વજન થાય.
સાધના માટે વારંવાર કહેવાય છે કે બાર બાંધોને સોળ સાંધો…
પાંચ પ્રાણ: પ્રાણ, અપાન, સમાન, વ્યાન, ઉદાન.
પંચ વિષ્ાય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. તથા બુદ્ધિ અને મન… એ બાર ઉપર કાબૂ મેળવવો.
આપણા શરીરના બાર પ્રકારના મળ ચરબી, વીર્ય, રક્ત, મજ્જા, પેશાબ, વિષ્ઠા, નાકનો મેલ, કાનનો મેલ, કફ, આંસુ, આંખના ચીપડા અને પરસેવો એના પર પણ કાબૂ મેળવવો. તથા પંચ વિષ્ાય : શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પાંચ કર્મેન્દ્રિય: મુખ (વાણી અને સ્વાદ), હાથ, પગ, લિંગ અને ગુદા. પાંચ જ્ઞાનેન્દ્રિય : આંખ, નાક, કાન, ત્વચા, જીભ. આ પંદર અને સોળમું મન એ સોળને સાધી લેવા.
સોળના આંકડા વિશે વાત કરીએ ત્યારે સૌ પ્રથમ આપણને યાદ આવે ભારતીય સનાતન હિન્દુ ધર્મમાં થતું ષ્ાોડષ્ાોપચાર દેવ પૂજન : (૧) આવાહન, (ર) આસન, (૩) પાદ્ય, (૪) અર્ધ્ય, (પ) આચમન, (૬) મધુપર્ક, (૭) સ્નાન-વરૂણસ્નાન, પય: સ્નાન, દધિસ્નાન, ઘૃતસ્નાન, મધુસ્નાન, શર્કરાસ્નાન, ગંધાક્ષત, પુષ્પ, ગંધોદકસ્નાન, (૮) વસ્ત્રોપવસ્ત્ર, (૯) યજ્ઞોપવિત – અલંકાર, (૧૦) ગંધ, (૧૧) અક્ષત, (૧ર) પુષ્પ, દુર્વાં-તુલસી, (૧૩) નાના પરિમલ દ્રવ્ય- ધૂપ, (૧૪) દીપ, (૧પ) નૈવેદ્ય-ઉત્તરાપોશાન, હસ્તપ્રક્ષાલન, મુખપ્રક્ષાલન, મુખવાસાર્થે ફલતામ્બૂલ, હિરણ્યદક્ષિણા, (૧૬) આરાર્તિક- નિરાજન, આરતી, પ્રદક્ષિણા, મંત્ર પુષ્પાંજલિ, વિશેષાર્ધ્ય….
સોળ સંસ્કાર
ભારતીય હિન્દુ ધર્મ સંસ્કૃતિના વિદ્વાનોએ મનુષ્ય જીવનમાં સોળ સંસ્કારોને માન્યતા આપી છે. (૧) ગર્ભાધાન, (ર) પુંસવન, (૩) સીમન્ત, (૪) જાતકર્મ, (પ) નામકરણ સંસ્કાર, (૬) નિષ્ક્રમણ સંસ્કાર- સૂર્યાલોકન, (૭) અન્ન પ્રાશન સંસ્કાર, (૮) ચૌલ (ચૂડા) સંસ્કાર, (૯) કર્ણવેધ સંસ્કાર, (૧૦) ઉપનયન- યજ્ઞોપવિત સંસ્કાર, (૧૧) વેદારંભ સંસ્કાર, (૧ર) સમાવર્તન સંસ્કાર, (૧૩) વિવાહ સંસ્કાર, (૧૪) વાનપ્રસ્થ સંસ્કાર, (૧પ) સંન્યસ્ત સંસ્કાર, (૧૬) અંત્યેષ્ટિ સંસ્કાર.
નારીના સોળ શણગાર
(૧) અવગાહન- શરીર પર ઉબટન એટલે કે સુગંધી દ્રવ્યો લગાવીને ગુલાબજળથી સ્નાન. (ર) અંગરાગ- સ્નાન પછી શરીરે કેસર ચંદનનો લેપ. (૩)કેશ રાગ- તેલ ફૂલેલથી વાળનું સંવરણ, ચોટલો, વેણી. (૪) શિશરાગ-મસ્તક -ચૂડામણિ, ટીકો, શિશફૂલ, રત્નરાખડી. (પ) ભાલ ભાગ- તિલક, આડ, કેસર-ચંદનની પિયળ. (૬) નયનરાગ-અંજન, કાજળ-સૂરમો. (૭) કર્ણરાગ-કર્ણફૂલ, કાનના અલંકારો. (૮) નાસિકારાગ- નક્વેસર, નથણી, વાળી, ચૂંક (૯) મુખરાગ- તંબોળ-પાન, દંત (૧૦) કંઠરાગ – કાંઠલી, મોતીમાળ, ગળાબંધ, ચંપાકલી હાર, ઝરમર, મુક્તાહાર. (૧૧) ઉરરાગ- કંચુકી, કબજો. (૧ર) હસ્તરાગ -બાજુબંધ, કંકણ, ચુડલા, કડાં, વીંટી, વેઢ. બેરખા. (૧૩)કટિરાગ-ઘાઘરો, કટિભૂષ્ાણ, ઝૂડો. કમરબંધ. (૧૪) પાયરાગ- નૂપુર, ઝાંઝર, પેંજન, સોના-રૂપા-મોતીનાં ઘુઘરિયાળા… કડાં, વેઢ, અણવટ વીંછિયા. (૧પ) શ્રીઅંગરાગ- ચીર, સાડી, પટકૂલ. (૧૬) મનોરાગ- ચાતુરી. ઉઠવા, બેસવા, બોલવાની ચતુરાઈ.
સોળ સતી
હિન્દુ સનાતન ધર્મમાં- બ્રહ્મવૈવર્ત પુરાણમાં પ્રકૃતિ ખંડમાં કહેવાયું છે કે – સતી એટલે સદ્બુદ્ધિની અધિષ્ઠાત્રી દેવી ભગવતી પરમેશ્ર્વરી. પ્રત્યેક યુગમાં આદ્યશક્તિનાં સનાતન લક્ષ્ાણો ધરાવતી એકાધિક સતી નારીઓ અવતરિત થતી રહી છે. જે શાશ્ર્વત,સનાતન રૂપે કાયમ આ ધરતી પર વિવિધ સ્વરૂપે વિદ્યમાન રહે છે.
(૧) સતી શિવા-ઉમૈયા-પાર્વતી, (ર) સતી બ્રહ્માવતિ-બ્રાહ્મી -ગાયત્રી, (૩) મહાસતી અનસુયા, અત્રિૠષ્ાિનાં પત્ની, (૪) સતી અરૂંધતી, વશિષ્ટૠષ્ાિનાં પત્ની, (પ) સતી તારામતી, રાજા હરિશ્ર્ચન્દ્રનાં રાણી, (૬) સતી વિંધ્યાવલિ, બલિરાજાનાં રાણી, (૭) સતી રત્નાવલી, ભક્ત પ્રહલાદનાં રાણી, (૮) સતી સાવિત્રી, સત્યવાનની પત્ની, (૯) સતી દમયંતિ, રાજા નળનાં પત્ની (૧૦) સતી કૌશલ્યા, રાજા દશરથનાં રાણી, રામના માતા (૧૧) સતી સીતાજી, રાજા રામનાં રાણી (૧ર) સતી મંદોદરી, રાજા રાવણનાં પત્ની. (૧૩) સતી અંજની, હનુમાનનાં માતા. (૧૪) સતી તારા,વાલિ-વિભીષ્ાણનાં પત્ની (૧પ) સતી કુંતાજી, પાંડવોનાં માતા (૧૬)સતી દ્રૌપદી, પાંચ પાંડવોનાં પત્ની.
જૈન ધર્મમાં સોળ સતી
(૧)બ્રાહ્મી, (ર) સુંદરી, (૩) ચંદનબાલા, (૪) રાજિમતિ, (પ) દ્રૌપદી, (૬) કૌશલ્યા, (૭) મૃગાવતી, (૮) સુલસા, (૯) સીતા, (૧૦) સુભદ્રા, (૧૧) શિવા, (૧ર) કુન્તા, (૧૩) શીલવતી, (૧૪) દમયંતી, (૧પ) પુષ્પચૂલા, (૧૬) પ્રભાવતી.
ચંદ્રની સોળ કળા
અમૃતા – માનદા – પૂજા – તુષ્ટિ – પુષ્ટિ – રતિ – ધૃતિ – શશિની – ચંદ્રિકા – કાંતિ – જ્યોત્સના – શ્રી – પ્રીતિ – અંગદા – પૂર્ણા અને પૂર્ણામૃતા. (મહાનિર્વાણ તંત્ર તથા નારદ મહાપુરાણ)
સોળ પ્રકારના દાન-
(૧)ભૂમિદાન, (ર)આસનદાન (હસ્તિદાન, અશ્ર્વદાન, વૃષ્ાભદાન, રથ-પાલખીદાન), (૩) જલદાન, (૪)વસ્ત્રદાન, (પ) પ્રદીપ/પાત્રદાન, (૬) અન્નદાન-તાંબૂલદાન, (૭) છત્રદાન , (૮)ગૌદાન, (૯) ગંધદાન, (૧૦) માલ્યદાન-દેહદાન, (૧૧) ફલદાન, (૧ર)શય્યાદાન, (૧૩)પાદુકાદાન, (૧૪) સુવર્ણદાન, (૧પ) રજત- તામ્ર-કાંસ્યદાન, (૧૬)ક્ધયાદાન.
ષ્ાોડશ માતૃકા
(૧) ગૌરી, (ર) પદ્મા, (૩) શચિ, (૪) મેધા, (પ) સાવિત્રી, (૬) વિજયા, (૭) જયા, (૮) દેવસેના, (૯) સ્વધા (૧૦) સ્વાહા, (૧૧) માતા-લોકમાતા, (૧ર) ધૃતિ, (૧૩) પુષ્ટિ, (૧૪) તુષ્ટિ, (૧પ) શાન્તિ, (૧૬) આત્મદેવી કે કુળદેવી.
સોળ સોગઠાં- ચોપાટના… સોળે સોળ આની સાચી વાત, સોળે સાન ને વીસે વાન.
તો બાર મેઘ – વરસાદના બાર પ્રકાર : (૧) ફરફર, (ર)વાછટ, (૩) ઝરમર, (૪) છાંટા, (પ) ફોરાં, (૬) પછેડીવા, (૭) નેવાધાર, (૮)ઢેફાંભાંગ, (૯) અનરાધાર, (૧૦) સાંબેલાધાર-મૂશળધાર, (૧૧) કરા, (૧ર) હેલી. જેવી લોક જીવન સાથે જોડાયેલી પ્રકૃતિની જાણકારીનો ભંડાર પણ આવા ભજનિકો પાસેથી મળી રહેતો.