મુંબઈઃ તુનીષા શર્મા આત્મહત્યા કેસમાં મુંબઈ હાઈ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, દરમિયાન એક્ટ્રેસની જિંદગીને લઈને મોટો ખુલાસો કોર્ટમાં થયો હતો. આ ખુલાસા પ્રમાણે આત્મહત્યા કરવાના 15 મિનીટ પહેલાં તુનીષાએ કોઈ અલી નામની વ્યક્તિ સાથે વાત કરી હતી. કોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શીજાન સાથેના બ્રેકઅપ બાદ તુનીષાના જીવનમાં કોઈ અલી નામનો છોકરો હતો અને તેણે મરતાં પહેલાં એની સાથે વાત કરી હતી. અલી અને તુનીષાની મિત્રતાની વાત તુનીષાની મમ્મીને ખબર હતી.
શીજાનના વકીલે આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે શીજાન સાથે બ્રેકઅપ કર્યા બાદ તુનીષાએ એક ડેટિંગ એપ જોઈન કરી હતી જ્યાં તેની વાત અલી નામના છોકરા સાથે થઈ હતી. તુનીષા અલી સાથે ડેટ પર પણ ગઈ હતી અને મરવાના 15 મિનીટ પહેલાં જ બંને જણે વીડિયો કોલ પર વાત પણ કરી હતી. તો શીજાન નહીં પણ અલી તુનીષાના સંપર્કમાં હતો. એટલું જ નહીં બંને જણે 21 થી 23 ડિસેમ્બર વચ્ચે વાત કરી હતી. 23મી ડિસેમ્બરે તુનીષાએ અલીના ફોનથી જ પોતાની મમ્મીને વીડિયો કોલ કર્યો હતો.
એટલું જ નહીં વકીલે કોર્ટમાં એવો ખુલાસો પણ કર્યો હતો કે તુનીષાએ તેના કો-સ્ટાર પાર્થને પણ આત્મહત્યા વિશેની હિન્ટ આપી હતી, અને પોતાની મુશ્કેલીઓ વિશે જણાવ્યું . તેણે પાર્થને રસ્સી પણ દેખાડી હતી. જ્યારે શીજાનને આ વાતની જાણ થઈ ત્યારે તેણે તુનીષાના પરિવારને સંપર્ક કરીને આ વાતની જાણ કરી હતી અને તુનીષાનું ધ્યાન રાખવાની સલાહ પણ આપી હતી.
આ ઉપરાંત તુનીષા કેટલીક એવી દવાઓનું સેવન પણ કરી હતી કે જેનું સેવનું કરવું જોખમી સાબિત થઈ શકે છે. ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન વિના આવી દવાઓનું સેવન કરવું જીવલેણ છે.