મુંબઈઃ ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના આત્મહત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપી શીજાન ખાને જામીન માટે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આરોપી શીજાન ખાને 23મી જાન્યુઆરીના સોમવારે જામીન અરજી કરી હતી, જે અંગે 30મી જાન્યુઆરીના સુનાવણી હાથ ધરવામાં આવશે.
અગાઉ આરોપી શીજાન ખાને એફઆઈઆર રદ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી જેના અંગે આગામી સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવશે. 13મી જાન્યુઆરી કોર્ટે શીજાન ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી, જ્યારે શીજાનના વકીલે એક્ટરના બચાવમાં અનેક દલીલ કરી હતી.
શીજાન ખાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ દાવો કર્યો હતો કે એક્ટર મુસલમાન હોવાને કારણે ધરપકડ કરવામાં આવી છે. શીજાનના વકીલ શૈલેન્દ્ર મિક્ષાએ પાલઘર કોર્ટમાં તુનિષા શર્મા પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા અને એક્ટરને ફસાવવાની વાત કરતા સ્પષ્ટતા કરી હતી. પાલઘર કોર્ટે તુનિષા શર્માના વકીલની દલીલોના આધારે શીજાનની જામીન અરજી ફગાવવામાં આવી હતી. તુનિષાના વકીલે કહ્યું હતું કે શીજાન આ કેસનો મુખ્ય આરોપી છે અને તુનિષાનો બોયફ્રેન્ડ છે. તે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અને સાક્ષીઓને તોડી શકે છે, તેથી તેને કસ્ટડીમાં રાખવામાં આવે.
શીજાનના વકીલે દાવો કર્યો હતો કે ફક્ત ધર્મના કારણે શીજાનની ધરપકડ કરવામાં આવી છે અને લોકો ફક્ત લવ જેહાદનો એંગલ જોઈ રહ્યા છે અને બે દિવસમાં પૂછપરછ કરી શક્યા હોત અને સત્ય બહાર આવી શક્યું હોત. જોકે, મુસ્લિમ ના હોત તો મારી ધરપકડ કરવામાં આવી ન હોત, એવું વકીલે દાવો કર્યો હતો. અહીં એ જણાવવાનું કે 24મી ડિસેમ્બરે ‘અલી બાબાઃ દાસ્તાન એ કાબૂલ’ના શૂટિંગ સેટ પર આત્મહત્યા કરી લીધી હતી, ત્યારબાદ 25મી ડિસેમ્બરે શીજાનની ધરપકડ કરવામાં આવી હતી.