મુંબઈ: બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે પોલીસને એવો સવાલ કર્યો હતો કે ટીવી ઍક્ટ્રેસ તુનીષા શર્માના કથિત આત્મહત્યાના કેસમાં તપાસ યોગ્ય રીતે કરવામાં આવી છે? કોર્ટે એવું પણ નોંધ્યું હતું કે પોલીસે શોધી કાઢવાનું રહેશે કે આરોપીએ આત્મહત્યા કરવા માટે પ્રવૃત્ત કરવા જેવું કોઈ કામ કર્યું હતું કે નહીં.
જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને પી. કે. ચવ્હાણની ખંડપીઠે પોલીસની કેસ ડાયરીઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.
અભિનેતા શીજાન ખાન દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનમાં આ કેસને રદ કરીને વચગાળાનો આદેશ આપીને જેલમાંથી મુક્ત કરવાની માગણી કરવામાં આવી હતી, જેની સુનાવણી બૉમ્બે હાઈ કોર્ટની ખંડપીઠ સમક્ષ થઈ રહી છે.
ટીવી સિરિયલ ‘અલીબાબા: દાસ્તાન-એ-કાબુલ’માં મુખ્ય ભૂમિકા ભજવતી અભિનેત્રી તુનીષા શર્મા (૨૧)એ ૨૪ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ કથિત આત્મહત્યા કરી હતી. વસઈ નજીકના કામણ રોડ સ્થિત સ્ટુડિયોમાં સિરિયલના સેટ પર આ ઘટના બની હતી. તુનીષાનો મૃતદેહ મેકઅપ રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ પ્રકરણે પોલીસે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધી બીજે દિવસે સહ-કલાકાર શીજાન ખાનની ધરપકડ કરી હતી.
સરકારી વકીલ અરુણા કામત પાઈએ કોર્ટમાં જણાવ્યું હતું કે તુનીષાએ આત્મહત્યા કરી તે દિવસે તે સેટ પર એકદમ નોર્મલ હતી અને તેનો મૂડ પણ સારો હતો, એવું સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે.
ફૂટેજમાં એવું પણ નજરે પડે છે કે તુનીષા આરોપીની રૂમમાં પ્રવેશે છે, પરંતુ તે પાછી ફરે છે ત્યારે અપસેટ જણાય છે. અમે તુનીષા, શીજાન અને તેમના એક મિત્રના મળી ત્રણ મોબાઈલ ફોન ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલ્યા છે, એવું સરકારી વકીલે જણાવ્યું હતું.
શીજાનના વકીલ ધીરજ મિરજકરે જણાવ્યું હતું કે મારા અસીલને જામીન આપ્યા પછી પણ પોલીસ તેની તપાસ ચાલુ રાખી શકે છે. આ માટે તેને કસ્ટડીમાં રાખવાની જરૂર નથી.
તે પછી ખંડપીઠે પોલીસને પૂછ્યું હતું કે તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે કે કેમ. આખરે આમાં તુનીષાને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરાઈ છે કે કેમ તે જોવાનું જરૂરી છે. તુનીષાની માતાનું નિવેદન પ્રથમદર્શી એવું દર્શાવતું નથી.
ખંડપીઠે એમ પણ કહ્યું કે એફઆઈઆર કાંઈ એન્સાઈક્લોપીડિયા નથી અને તે માત્ર કાયદાને આગળ ધપાવવા માટે હોય છે. પછી કોર્ટે આ મામલો ૧૭મી ફેબ્રુઆરી પર મોકૂફ રાખ્યો હતો.
આ અરજી ઉપરાંત શીજાને જામીન માટે પણ અરજી કરી છે, જે ૧૫મી ફેબ્રુઆરીએ હાઈ કોર્ટની સિંગલ બૅન્ચ સમક્ષ સુનાવણી માટે આવશે. (પીટીઆઈ)