Homeઈન્ટરવલલક્ષ્મણા અને કૃષ્ણનું સત્ય!

લક્ષ્મણા અને કૃષ્ણનું સત્ય!

આનન-ફાનન -પાર્થ દવે

ન તો ચહેરા વિશે કે ના કોઈ શૃંગારના પ્રશ્ર્નો,
અરીસો પૂછશે તમને અરીસા બહારના પ્રશ્ર્નો.
પછી જે આવશે એ, સત્ય કેવળ સત્ય હોવાનું,
પ્રથમ પીવાડ અમને દોસ્ત પહેલી ધારના પ્રશ્ર્નો.
– જુગલ દરજી
સત્ય એટલે શું? કોનું સત્ય? આ દુનિયામાં દરેકનું પોતાનું સત્ય હોવાનું. ફાઈવ સ્ટાર હોટલના મોંઘાદાટ સ્યુટમાં ઊતરેલા શેઠિયાનું અને તેની સામે ચા વેચતા કરશનકાકા અને તેમની બાજુમાં ગેરેજ ચલાવતા રહીમચાચાનું સત્ય જુદું હોવાનું. જેમ તેમની જિંદગી જીવવાની રીત જૂદી છે તેમ તેમનું સત્ય પણ જુદું હોવાનું.
વિચાર, તર્ક, કારણ, દલીલ આ બધું જ પોતાને માફક આવે, સાચું લાગે એ રીતે રજૂ થતું હોય છે. ગાંધીજીના સત્ય અને તેમના સ્તર સુધી કોઈ નથી પહોંચી શક્યું કે નથી પહોંચી શકવાનું. તેઓ હરિશ્ચંદ્રથી પ્રેરાયા હતા; આપણે મજાકમાં પણ કોઈ સાચું બોલે તો તેને ‘હરિશ્ર્ચંદ્ર કી ઔલાદ’ કહીને ઉતારી પાડીએ છીએ! સત્ય દ્વિરંગી પણ હોવાનું. અનુરાગ કશ્યપ કે શ્રીરામ રાઘવનની ફિલ્મોની જેમ તે લેયર્ડ હોવાનું. એક વ્યક્તિ સાચી પણ હોઈ શકે અને તે જ વ્યક્તિ ખોટી પણ હોઈ શકે. સામાન્ય માણસ માટે સફેદ અને કાળા વચ્ચેનો ગ્રે એરિયા છે- તે સત્ય છે! કોઈ બૅન્કના માલિકને પૂછશો તો તેનું પોતાનું સત્ય હોવાનું, અને સ્વાભાવિક છે કે જુદું હોવાનું! અમુક સત્ય ભ્રમિત પણ હોવાના! ૩૬૦ ડિગ્રીએ વિચારતા તમને જે-તે મુદ્દા કે વિષયની આખી વાત સમજાય, એવું બને.
લક્ષ્મણા’ નામની એક નૃત્યનાટિકા અત્યારે યાદ આવે છે, જેની પૃષ્ઠભૂ હતી લક્ષ્મણા નામની સ્ત્રી કૃષ્ણ સામે ફરિયાદ કરે છે તે! હવે કૃષ્ણ સામે આખી જિંદગી લોકોએ જુદી જુદી રીતે અને જાતજાતની ફરિયાદો કરી છે! તેમનું જીવન જ એવું હતું કે એક બાજુ કોઈને છાંયડો આપી રહ્યા છે ને સામેની વ્યક્તિને એ જ સમયે એવું લાગે કે તેઓ અમારી સાથે ખોટું કરી રહ્યા છે. આપણા જીવનમાં પણ આમ જ છે ને?! કોઈ માટે સારા થઈએ ત્યારે આપોઆપ બીજી કોઈ, સામેની (જે ખરેખર સામેની હોય નહીં!) વ્યક્તિને ખરાબ લાગવા માંડીએ. તેમને એમ થાય કે આ ભાઈ/બહેન/કાકા/ફઈ/મામા/મોટા મામા/ મોટા માસા, વગેરે મારી સાથે ખોટું કરી રહ્યા છે. કેમ કે, તમારી બાહરી દુનિયા અને અંગત જિંદગી જૂદી હોવાની. લોકોને તમે દેખાતા હો એથી વધારે તમે અંદર’ જીવતા હો અને એ દુનિયામાં પ્રવેશવાની કોઈને અનુમતિ ન હોય. અને એમાં કોઈ ક્યારેક ભૂલથી પણ પ્રવેશીને જોઈ જાય તો તમે વિચિત્ર, ખરાબ કે જુઠ્ઠા લાગો એમ બની શકે! તો છો ને બનતું!
તો… કોણ હતી લક્ષ્મણા?
એવું કહેવાય છે કે, ‘જે વાત મહાભારતમાં છે તે સંસારમાં કોઈને કોઈ જગ્યાએ હશે જ અને જે ત્યાં નથી તે વાત સંસારમાં બીજે ક્યાંય નહીં જોવા મળે.’ ઘણી બધી ફિલ્મોની વાર્તા પણ તમને મહાભારત (અને રામાયણ) જેવી કે તેના ટુકડાઓમાંથી એડોપ્ટ કરેલી લાગે. મહાભારતના આમ તો તમામ પાત્રો વર્સેટાઈલ અને રોચક છે, એમાંય ખાસ કરીને સ્ત્રી પાત્રો. ‘લક્ષ્મણા’ એવું જ એક સ્ત્રી પાત્ર છે. તે રસપ્રદ અને રોચક છે તે તેની ઓળખાણ પરથી જ સાબિત થઈ જાય છે!
કૃષ્ણ અને પટરાણી જાંબવતીનો એક પુત્ર હતો સામ્બ. તે એક યુવતી સાથે પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા હતા, પરંતુ તે યુવતીના પરિવારને આ મંજૂર નહોતું. એક દિવસ કૃષ્ણે ભગાડીને પુત્ર સામ્બ અને તે યુવતીના લગ્ન કરાવ્યા અને તેને દ્વારિકા રથમાં લઈ જતા હતા. તે યુવતીના પરિવારના લોકો યુદ્ધ કરવા આવી પહોંચ્યા. તે યુવતી એટલે દુર્યોધનની દીકરી, જેનું નામ હતું: ‘લક્ષ્મણા’! યસ, દુર્યોધન અને ભાનુમતીની દીકરી લક્ષ્મણા હતી જે કૃષ્ણના દીકરા સામ્બને પરણી હતી એટલે કે કૃષ્ણની પુત્રવધૂ હતી; પુત્રથી પણ વધુ!
આ ઓળખાણ જ કેટલી ‘ગ્રે’ છે! લક્ષ્મણાના મતે તેના પિતા કેમ ખોટા હોઈ શકે અને બીજી બાજુ તેના સસરા સ્વયં કૃષ્ણ છે જેના થકી જ તેના પિતાનો સંહાર થયો હતો!
શરૂઆતમાં જે નૃત્ય-નાટિકાની વાત કરી તે પ્રકાશ પંડ્યાના પુસ્તક ‘હવે તો ઉત્તર આપો કૃષ્ણ!’ પર આધારિત છે, જેમાં લક્ષ્મણા દ્રૌપદીના સ્વયંવરથી કરીને જ્યારે દુર્યોધનને આંધળાના પુત્ર આંધળા’ કહેવામાં આવે છે તે પ્રસંગ, અને ભીષ્મ, કર્ણ અને તેના પિતા દુર્યોધનને (અનીતિ અને અધર્મીથી) હણાયા, વગેરેને લઈને પ્રશ્ર્નો કરે છે. તે પૂછે છે કૃષ્ણને પોતાના પ્રશ્ર્નો, રજૂ કરે છે પોતાનાં સત્યો અને કૃષ્ણ પાસે કોઈ જવાબ નથી.
વાત સત્યની છે. તમારું અને મારું સત્ય, અમીર અને ગરીબનું સત્ય, દુર્યોધન અને યુધિષ્ઠિરનું સત્ય અને લક્ષ્મણા અને કૃષ્ણનું સત્ય! સત્ય, કહ્યું એમ, મિક્સ હોઈ શકે. તે પૂરેપૂરું ન પણ હોય. તે સંજોગોને આધીન હોઈ શકે. પ્રકાશ પંડ્યાના પુસ્તક કે આ નૃત્ય-નાટિકામાં તો કલ્પનાના વાઘા પહેરાવેલા છે, રેફરન્સિસ લઈને કળાને સુંદર રીતે રજૂ કરાઈ છે, પણ તેમાં અલ્ટિમેટલી વાત ત્યાં આવીને ઊભી રહે છે કે સત્ય શું છે? અમુક પ્રશ્ર્નોના જવાબ સ્વંય કૃષ્ણ પાસે જ નથી જે તેની પિતા ખોઈ ચૂકેલી પુત્રવધૂ પૂછી રહી છે!
એ પણ આજની નથી કે દિવસમાં કેટલીય વખત ખોટું બોલતા આપણે સત્યની વાતો કરીએ છીએ?! બાય ધ વે, તમારા માટે સત્ય શું છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -