ડુંગળી આમ તો માણસને રડાવે, પણ ડુંગળીએ હાલમાં તો ભાવનગરને થંભાવી દીધું છે. ભાવનગર શહેરના મુખ્ય માર્કેટિંગ યાર્ડ ખાતે હાલમાં ડુંગળીની સીઝનને પગલે મોટી માત્રામાં ડુંગળીનો જથ્થો ઠલવાઈ રહ્યો છે. જિલ્લાભરમાથી આવતા ડુંગળીના વાહનોને પગલે જાહેર યાતાયાત પ્રભાવિત થઈ રહ્યો છે.
આ વર્ષે ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં સારા વરસાદને પરિણામે ડુંગળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થયું છે જેને પગલે હાલમાં ભાવનગર જિલ્લા ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના જિલ્લાઓમાંથી ડુંગળીનો જથ્થો ભાવનગર શહેર સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ઠલવાઈ રહ્યો છે, ડુંગળી ભરેલા વાહનોને પગલે શહેરમાં ભારે ટ્રાફિક જામ સર્જાય છે. આ સમસ્યાને પગલે અકસ્માતના દ્રશ્યો પણ જોવા મળે છે જેને પગલે વાહન ચાલકોમા ભારે રોષ વ્યાપ્યો છે. માર્કેટિંગ યાર્ડ માટે આવતા વાહનો માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ. શહેરના અમુક વિસ્તારોમાં ટ્રકની લાંબી લાઈન લાગી છે.