રોજ બરોજ -અભિમન્યુ મોદી
ગુજરાત અને હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામોના પડઘા હજુ શમ્યા નથી ત્યાં પૂર્વોત્તર ભારતની ચૂંટણીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્રિપુરામાં ૧૬ ફેબ્રુઆરીએ, નાગાલેન્ડમાં અને મેઘાલયમાં ૨૭ ફેબ્રુઆરીએ મતદાન થશે. મેઘાલયમાં ૨૧.૬૪ લાખ મતદારો છે. નાગાલેન્ડમાં ૧૩.૧૭ લાખ અને ત્રિપુરામાં ૨૮.૨૩ લાખ મતદારો છે. અત્યારે ત્રિપુરામાં ભાજપનો ધ્વજ ફરકે છે. ૩૩ બેઠકો સાથે તે બહુમતીમાં છે. ત્રિપુરા એક સમયે સામ્યવાદીઓનું સ્ટેટ ગણાતું હતું. પચીસ વર્ષ સુધી આ રાજ્યમાં સામ્યવાદીઓએ રાજ ભોગવ્યું છે. સામ્યવાદીઓના આ ગઢને ભાજપે જમીનદોસ્ત કરીને સત્તા મેળવી હતી. ત્રિપુરામાં વિધાનસભાની ૬૦ બેઠકો છે. સરકાર બનાવવા માટે ૩૧ બેઠકોની જરૂર પડે છે. ૨૦૧૮માં વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપે અહીં ૬૦માંથી ૫૧ બેઠક પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને બાકીની નવ બેઠકો સાથી પક્ષોને ફાળવી હતી. પરિણામ આવ્યું ત્યારે ભાજપે ૫૧માંથી ૩૬ બેઠકો અને ભાજપના સાથી પક્ષોએ ૯માંથી ૮ બેઠકો મેળવી હતી. ૪૪ બેઠક સાથે ભાજપે સરકાર બનાવી હતી.
સામ્યવાદીઓના ભાગે માત્ર ૧૬ બેઠક આવી હતી ભાજપે ત્રિપુરામાં બિપ્લવ દેબને મુખ્યમંત્રી બનાવ્યા હતા. બિપ્લવ દેબ પોતાની કામગીરીમાં ખરા ઊતર્યા નહોતા. બિપ્લવ દેબના બફાટના કારણે પણ ભાજપે મુશ્કેલીમાં મૂકાવવું પડ્યું હતું. આખરે ભાજપે મે, ૨૦૨૧માં બિપ્લવ દેવને હટાવી દીધા હતા અને મૂળ કૉંગ્રેસી, પરંતુ પક્ષ પલટો કરી ભાજપમાં આવેલા ચોખ્ખી ઇમેજ ધરાવતા ડો. માણિક સાહાને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ભાજપે સમય વર્તે સાવધાનની નીતિ અખત્યાર કરીને ત્રિપુરામાં વાતાવરણ સુધારી લીધું હતું. ભાજપે આ રાજ્ય જાળવી રાખવા માટે થઇ શકે એ તમામ પ્રયાસો કર્યા છે.
અલબત્ત, ત્રિપુરાની ચૂંટણીમાં ગુજરાતની જેમ ત્રિપાંખિયો નહીં, પણ ચતુષ્કોણીય જંગ જોવા મળશે. ભાજપ કૉંગ્રેસ તો બધે જ છે, પરંતુ આપને હજુ પૂર્વોત્તરમાં સ્થાન નથી મળ્યું. અહીં પશ્ર્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજવી પરિવારના પૂર્વ કૉંગ્રેસી નેતા પ્રદ્યોત કિશોર દેબબર્મનને પોતાના તૃણમૂલ કૉંગ્રેસમાં જોડી દીધા છે. તો ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના જિતેન્દ્ર ચૌધરી પોતાના હિંસક પક્ષ સાથે મેદાનમાં ઊતર્યા છે.
ભાજપના શાસનમાં રાજ્યનો વિકાસદર ઘટ્યો છે છતાં પ્રજાને સ્વપ્ન બતાવવામાં નિષ્ણાત આ ભગવી પાર્ટી માટે સંજોગો અનુકૂળ લાગે છે. મમતા બેનરજી બંગાળી અને આદિવાસી પ્રજા વચ્ચે ભાગલાનું રાજકારણ રમતાં હોવાનું ભાજપ કહે છે.ખોબલા જેવડા ૬૦ સભ્યની ધારાસભા ધરાવતા ત્રિપુરામાંથી અલગ બૃહદ ત્રિપ્રાલેન્ડ રાજ્ય બનાવવાનું સ્વપ્ન દેખાડીને આદિવાસી પ્રજાને ખુશ રાખવા ભાજપ પ્રયત્નશીલ છે.
વર્ષ ૨૦૧૮માં વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ થકી ત્રિપુરાના મહારાજા બીરેન્દ્ર કિશોર માણિક્ય દેબબર્મનના પૌત્ર પ્રદ્યોતને ઓફર કરાઈ હતી કે તેઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તો એમને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે. જોકે તેમણે એ ઓફરને ફગાવી દીધી હતી. ત્રિપુરામાં દાયકાઓના કમ્યુનિસ્ટ શાસન છતાં કૉંગ્રેસ મુખ્ય વિપક્ષ રહ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનો ઈતિહાસ ભવ્ય છે, પણ વર્તમાન અને ભવિષ્ય સાવ જ ધૂંધળું છે. ક્યારેક મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, મોહમ્મદ અલી ઝીણા, ડો. કેશવ બલિરામ હેડગેવાર જેવાની કૉંગ્રેસ આજે સાવ જ ખાંડા ઢોરની પાંજરાપોળ બની ગઈ છે. છ – છ દાયકા લગી શાસન કર્યા પછી એનામાં લડાયક મિજાજ રહ્યો નથી. સોનિયા ગાંધી – રાહુલ ગાંધીની કૉંગ્રેસને સાવ જ મજાકનું માધ્યમ બનાવવાની હદે ભારતીય રાજકારણને લઈ જવામાં અટલ બિહારી વાજપેયી પછીના ભગવી બ્રિગેડના નેતાઓની કરામતોને દેશની પ્રજાએ કાંઈક અંશે આવકારી છે. કૉંગ્રેસ હતપ્રદ છે. તેના જ કારણે ૨૦૧૮માં કૉંગ્રેસની અવસ્થા વિધાનસભા ચૂંટણીમાં સાવ દયનીય બની હતી. કૉંગ્રેસમાં પક્ષના આંતરિક મતભેદોનું સંવાદ દ્વારા સમાધાન કરી શકે એવા કોઇ નેતા નહોતા. ભાજપે એ નબળાઈનો ભરપૂર રાજકીય લાભ લીધો હતો. ૨૦૨૩માં એ જ ઘટનાનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. કારણ કે કૉંગ્રેસને ભારત જોડવામાં રસ છે. બીજી તરફ મમતા દીદી અને કમ્યુનિસ્ટ પાર્ટી રાજકીય ટીકાઓનો ભોગ બનતા રહે છે. જયારે ભાજપે ‘ઓપરેશન લોટ્સ’ અને ‘નો રિપીટ થિયરી’ના સહારે ત્રિપુરામાં જીતની સોગઠી ફેંકી દીધી છે.
મોદી થકી ભાજપી સરકારો સ્થાપવામાં કોઈ પણ પક્ષના નેતાઓનો સાથ કોઈ પણ છોછ વિના લેવામાં જરાય રાખવામાં આવતો નથી. એક વાર રાજ્યમાં સત્તા મેળવ્યા પછી જે તે આયાતી નેતાઓ પર રિમોટ તો મોદી-સેનાનો ચાલે એ સ્પષ્ટ છે. અસંતુષ્ટો તો ભાજપમાં ફાટફાટ થાય છે. આયાતી નેતાઓને મળતા મહત્ત્વથી દાયકાઓથી ગદ્ધાવૈતરું કરતો સંઘ પરિવારનો કાર્યકર્તા નારાજ પણ થાય છે, પણ ચૂંટણી માટે એ ભાજપ માટે જ કામ કરે છે. હાર-જીતને સમાન ભાવ સાથે લેવા ટેવાયેલા ભાજપી કાર્યકરો મંડ્યા રહે છે. કીલર્સ ઈન્સ્ટિંક્ટ’ સાથે આગળ વધતો ભાજપ જીતવાના સંકલ્પ સાથે જંગમાં ઝુકાવે છે.
૨૦૧૪ પહેલા તો ત્રિપુરા કૉંગ્રેસનો ગઢ હતો તો ભાજપે ગઢ કેમ તોડ્યો તેનું કૉંગ્રેસની નેતાગીરીએ આત્મમંથન કરવું જ રહ્યું કે દસકાઓ સુધી પક્ષની સાથે રહેલા મતદારો વિકલ્પ મળતાં જ અન્ય પક્ષો તરફ કેમ ઢળી રહ્યા છે. એવા તે ક્યા કારણ છે કે કૉંગ્રેસનો વફાદાર મતદાર પક્ષથી અળગો થઇ રહ્યો છે? પક્ષે તેમના નેતાઓનો અવાજ પણ સાંભળવો રહ્યો. દેશના કેટલાય રાજ્યોમાં પક્ષના પ્રભારી તરીકે નિર્ણાયક જવાબાદારી સંભાળી ચૂકેલા એક કૉંગ્રેસી નેતા અનુભવના આધારે કહે છે કે પક્ષની મુખ્ય સમસ્યા છે સામાન્ય નાગરિક સાથે સીધા સંપર્કનો અભાવ. પક્ષમાં નેતાઓ તો ઘણા છે, કાર્યકરો ઓછા છે. જમીન પર કૉંગ્રેસનું અસ્તિત્વ જ નથી. બીજી તરફ, ભાજપમાં નેતાઓની સાથોસાથ કાર્યકરો પણ છે, જેઓ નાગરિક સાથે સંપર્ક જાળવીને કામ કરે છે. આ લોકો પક્ષની વિચારધારાથી માંડીને નીતિરીતિને લોકો સુધી પહોંચાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પક્ષના જ્વલંત વિજયમાં કાર્યકરોની કેડરનું ચાવીરૂપ પ્રદાનરૂપ છે તેનો ભાગ્યે જ કોઇ ઇનકાર કરી શકશે.
આ ચૂંટણીમાં ભાજપ સરકારની જીત થવાના ઘણાં કારણો જવાબદાર છે. પ્રથમ તો ૫૦ ટકા ભાજપ ઉમેદવાર છેલ્લાં પાંચ વર્ષમાં પક્ષના સભ્ય બન્યા છે ભાજપના બાવન કેન્દ્રીય પ્રધાનો અને ૨૦૦થી વધુ સાંસદો-નેતાઓએ રાજ્યમાં ચૂંટણી રેલીઓ કરી. મોદીએ રાજ્યમાં ૪ ચૂંટણી રેલીઓ કરી. ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાજ્યમાં ૬ રાત વીતાવી હતી. ત્રિપુરામાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જે ૭ જગ્યાઓ પર સભાઓ સંબોધી, ૪ રોડ શો કર્યા છે. આ રોડ શૉના કારણે જ ગુજરાતની ચૂંટણીનું ગણિત છેલ્લી ઘડીએ બદલી ગયું હતું. શક્ય છે કે ત્રિપુરામાં પણ એવું થઇ શકે.
ભાજપ, કૉંગ્રેસ કે અન્ય પક્ષોની નેતાગીરીએ એ ઉક્તિ યાદ રાખવી રહી કે જે પોષતું તે મારતું.જે મતદારો આજે તેમને સત્તાના સિંહાસને બેસાડી શકે છે એ જ તેમને સિંહાસન પરથી ઉતારી પણ શકે છે. કોઇ પણ રાજકીય પક્ષ ત્યારે જ દીર્ઘજીવી સફળતા હાંસલ કરી શકતો હોય છે જ્યારે તે સમયના સંકેતો સમજીને અને પરાજયનાં કારણો જાણીને તેને અનુરૂપ પરિવર્તન અપનાવે છે. હવે ક્યો પક્ષ કેટલી ઇમાનદારીથી આત્મનિરીક્ષણ કરે છે અને તેમાં જાણવા મળેલા પરાજયના કારણોનું કેટલી પ્રામાણિક્તાથી નિવારણ કરે છે એ તો આગામી ચૂંટણીનાં પરિણામો જ કહેશે.