સ્મરણાંજલિ: શનિવારે ૨૬/૧૧ના ટેરર હુમલાની વરસી હોવાથી જૂના જખમો ફરી તાજા થયા હતા. રેલવે પોલીસે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફોર્મ નંબર નવના સ્મારક આગળ પોતાના શહીદ થયેલા સાથીદારોને અંજલિ આપી હતી. બીજી તસવીરમાં કામા હૉસ્પિટલમાં આતંકવાદી હુમલા દરમિયાન શહીદ થયેલા પતિ બબન ઉઘાડેને અંજલિ આપતા તેમનાં પત્ની સુશીલાની આંખમાં અશ્રુ આવી ગયા હતા.. (અમય ખરાડે)
મુંબઈ: ૧૪ વર્ષ અગાઉ આ દિવસે મહાનગરમાં હુમલો કરનારા આતંકવાદીઓ સાથે લડીને પોતાના પ્રાણની આહુતિ આપનારા શહીદોને શનિવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
દક્ષિણ મુંબઈમાં પોલીસ કમિશનર કાર્યાલયના પરિસરમાં શહીદ સ્મારક ખાતે તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી. એ સમયે રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નેતા દીપક કેસરકર, ચીફ સેક્રેટરી મનુ કુમાર શ્રીવાસ્તવ, રાજ્યના ડીજીપી (ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ) રજનીશ સેઠ, મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસલકર અને અન્ય અધિકારીઓ હાજર હતા.
નવેમ્બર, ૨૦૦૮ના આતંકવાદી હુમલા દરમિયાન શહીદ થયેલા પોલીસ જવાનોના પરિવારજનોએ પણ અંજલિ આપી હતી. ૨૬/૧૧ની વરસી નિમિત્તે કામા હોસ્પિટલ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે પણ શહીદોને અંજલિ અપાઇ હતી.
૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ ૧૦ પાકિસ્તાની આતંકવાદી દરિયાઇ માર્ગે મુંબઈ આવ્યા હતા અને તેમણે અંધાધૂંધ ગોળીબાર તથા બોમ્બમારો કરતાં ૧૬ સુરક્ષા જવાનો સહિત ૧૬૬ જણનાં મોત થયાં હતાં, જ્યારે સેંકડો ઘાયલ થયા હતા. કરોડોની મિલકતોને પણ નુકસાન થયું હતું.
એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ના તત્કાલીન પ્રમુખ હેમંત કરકરે, લશ્કરના મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન, મુંબઈના એડિશનલ પોલીસ કમિશનર અશોક કામટે અને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય સાળસકર આ હુમલામાં શહીદ થયા હતા.
૨૬ નવેમ્બરે આતંકવાદીઓએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ઓબેરોય ટ્રાયડન્ટ, તાજ મહેલ પેલેસ અને ટાવર, લિઓપોલ્ડ કેફે, કામા હોસ્પિટલ અને નરીમન હાઉસને ટાર્ગેટ કર્યા હતા. નવ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા, જ્યારે અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો. ચાર વર્ષ બાદ ૨૧ નવેમ્બર, ૨૦૧૨ના રોજ કસાબને ફાંસી અપાઇ હતી. (પીટીઆઇ)