નવી દિલ્હીઃ દેશમાં બુલેટ ટ્રેન પહેલા વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી છે, જ્યારે આગામી વર્ષોમાં હાઈડ્રોજન ટ્રેન દોડાવવાની પણ સરકારની યોજના છે. આ યોજનાને સાકાર કરવામાં આ વર્ષે સફળતા મળી શકે છે. હાઈડ્રોજન ટ્રેન વિકસાવવાની દિશામાં ભારતને મોટી ટેકનિકલ સફળતા મળી છે, જેની ટ્રાયલ આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે, એમ રેલવે બોર્ડના અધ્યક્ષ અનિલ કુમાર લાહોટીએ જણાવ્યું હતું.
ઉત્તર ભારત રેલવેએ પહેલાથી જ હાઈડ્રોજન ટ્રેનના વિકાસ માટે કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને કામકાજ ચાલી રહ્યું છે. આ પહેલી અને નવી ટેકનોલોજી છે. અમારો ઉદ્દેશ્ય આપેલ સમયમર્યાદામાં કરવાનો નથી, પરંતુ પ્રોજેક્ટને અસરકારક રીતે કરવાનો છે, એમ તેમણે જણાવ્યું હતું.
સમગ્ર વિશ્વમાં હાઈડ્રોજન ટ્રેનનો વિકાસનો તબક્કો ચાલી રહ્યો છે. અમે તેમાંથી શીખી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ. બીજી તરફ ઈન્દોર રેલવે સ્ટેશનના પુનઃવિકાસ પ્રોજેક્ટ પર તેમણે કહ્યું હતું કે શરૂઆતમાં પીપીપી મોડલ પર વિકાસ કરવાની યોજના હતી. હવે રેલ્વેએ તેના બજેટમાંથી ઈન્દોર અને અન્ય સ્ટેશનોનો વિકાસ કરવાનો નિર્ણય લીધો છે. ઈન્દોર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ પ્લાનનો ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો છે.
નાણા વિભાગ દ્વારા ડીપીઆરની તપાસ કરવામાં આવશે. એની સાથે એવી પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે એની મંજૂરી માટે રેલ મંત્રાલયને દસ દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવશે. રેલવે બોર્ડના અધ્યક્ષ લાહોટીએ જણાવ્યું હતું કે સંબંધિત અધિકારીઓને માસિક બેઠકો યોજીને રતલામ ડિવિઝનના તમામ મોટા પ્રોજેક્ટ્સ પર નજીકથી દેખરેખ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે સંદેશાવ્યવહારમાં સમય બચાવવા માટે રેલવેએ ઇન્દોરમાં એક ચીફ એન્જિનિયરની પોસ્ટ કરી છે.