(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સબ અર્બનની લોકલ ટ્રેનમાં રવિવાર એટલે આવતીકાલે ટ્રાવેલ કરવાનું વિચારી રહ્યા હો તો આટલુ જાણી લે જો નહિ તો તમારી રજાની મજા બગડી શકે છે, કારણ કે દર વખતની માફક આવતીકાલે ત્રણ (મધ્ય રેલવેની મેન અને હાર્બર લાઇન અને પશ્ચિમ રેલવેની મેઇન) લાઈનમાં મરમ્મત કામકાજ પાંચ – પાંચ કલાકના બ્લોક રહેશે. મધ્ય રેલવેની મેન લાઇનમાં રવિવારે માટુંગા અને મુલુંડ અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઈનમાં સવારના ૧૧.૦૫ વાગ્યાથી બપોરના ૩.૫૫ વાગ્યા સુધી પાંચ કલાકનો બ્લોક રહેશે. આ બ્લોક દરમિયાન ફાસ્ટ લાઈનની લોકલ ટ્રેન સ્લો ટ્રેક પર ચલાવાશે જેથી લોકલ ટ્રેન સેવા પર અસર પડશે.
મધ્ય રેલવેની હાર્બર લાઇનમાં પણ સીએસએમટી-ચુનાભટ્ટી/ બાંદ્રા (ડાઉન લાઇન) વચ્ચે સવારના ૧૧.૪૦ વાગ્યાથી બપોરના ૪.૪૦ વાગ્યા સુધી અને બાંદ્રા/ ચુનાભટ્ટી – સીએસએમટી અપ લાઇનમાં સવારના ૧૧.૧૦ વાગ્યાથી બપોરના ૪.૧૦ વાગ્યા સુધી લોકલ ટ્રેનની સર્વિસ સ્થગિત રહેશે અને બ્લોક પછી ટ્રેન ચાલુ થશે પણ મોડી દોડાવી શકાય અને અમુક ટ્રેનો રદ રહેશે.
પશ્ચિમ રેલવેમાં જોગેશ્વરી અને સાંતાક્રુઝ વચ્ચે સવારના ૧૦.૦૦ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી પાંચ કલાકનો બ્લોક રહેશે. પાંચ કલાકના બ્લોક દરમિયાન પાંચમી લાઇનમાં રેલવે ટ્રેક અને સિગ્નલની કામગીરી હાથ ધરવામાં આવશે, એમ રેલવે જણાવ્યું હતું.