મુંબઈઃ વિરારમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતીની પૂર્વસંધ્યાએ ગઈકાલે રાતના શોભાયાત્રા પૂરી થયા પછી ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ થવાથી મોટી હોનારતનું નિર્માણ થયું હતું. અમુક યુવાનો ઝંડા લઈને ઘરે પાછા જઈ રહ્યા હતા ત્યારે ઈલેક્ટ્રિસિટીના ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ થયો હતો અને વિસ્ફોટમાં કરન્ટમાં બે જણનાં મોત થયા હતા, એમ સત્તાવાર જણાવ્યું હતું.
વિરાર પૂર્વના કારગિલ નગર વિસ્તારમાં આ હોનારત બની હતી. આ બનાવમાં ઈજાગ્રસ્ત લોકોને મુંબઈની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ડો. બાબાસાહેબ આંબેડકર જયંતીની પૂર્વસંધ્યાએ એક શોભાયાત્રામાંથી પરત ફરતી વખતે વીજળીના ટ્રાન્સર્ફોમર સાથે ઝંડો અડયો હતો, જેમાં અકસ્માતમાં છ લોકોને કરન્ટ લાગ્યો હતો. જોકે, આ વિસ્ફોટમાં ઘટનાસ્થળે બે યુવાનનાં મોત થયાં હતાં, જ્યારે ત્રણ જણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ વિરારના કારગિલ નગરમાં રાતના અગિયાર વાગ્યાના સુમારે બન્યો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામનારાની ઓળખ રુપેશ સુર્વે (30), સુમિત સુધ (23) તરીકે કરવામાં આવી છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તની ઓળખ સ્મિત કાંબળે (32), સત્યનારાયણ પંડિત (23), ઉમેશ કનોજિયા (18), રોહિત ગાયકવાડ છે. વિરાર પૂર્વમાં કારગિલ નગરમાં બાબા સાહેબની પ્રતિમાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. રાતના 10.30 વાગ્યાના સુમારે શોભાયાત્રા પૂરી થયા પછી રસ્તા કિનારે ઈલેક્ટ્રિસિટીના ટ્રાન્સફોર્મરમાં ઝંડો અડતા વિસ્ફોટ થયો હતો, એવું પોલીસે જણાવ્યું હતું.