૮૫ ટકા કામકાજ પૂર્ણ, ૧૦.૩૨ કરોડનો ખર્ચ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેના બાંદ્રા રેલવે સ્ટેશનને એ-વન દરજ્જાની શ્રેણી હેઠળનું આધુનિક બિલ્ડિંગનું નિર્માણ કાર્ય, કોન્કોર્સના કામકાજની સાથે ટિકિટ કાઉન્ટર એરિયાની કાયાપલટનું કામકાજ આગામી બે મહિનામાં પાર પાડવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. પશ્ર્ચિમ રેલવેના સૌથી જૂના રેલવે સ્ટેશન પૈકી બાંદ્રા સ્ટેશન એક છે, જે ૧૯મી સદીમાં લંડનમાં મૂળ સ્ટેશનની ઈમારતની ડિઝાઈન નક્કી કરવામાં આવી હતી. મુંબઈના હેરિટેજ રેલવે સ્ટેશન પૈકી બાંદ્રા સ્ટેશનની સાથે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ભાયખલા અને રે રોડ સહિત પશ્ર્ચિમ રેલવેના હેડ ક્વાર્ટર ચર્ચગેટનો સમાવેશ થાય છે. સ્ટેશનનું સ્ટ્રક્ચર ગ્રેડ વન કેટેગરીનું છે, જ્યારે તેનું બાંધકામ પણ ગોથિક શૈલીનું છે. સ્ટેશનનું નિર્માણકાર્ય પાર પાડવામાં આવ્યા પછી ૧૮૮૮માં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
સ્ટેશનનું મૂળ માળખું યથાવત રાખવામાં આવ્યા પછી સ્ટેશન પરની છત પર બર્મા ટીકવૂડ અને મોનીરની ટાઈલ્સ લગાવવામાં આવશે. સ્ટેશન પરિસરના રૂમ્સ, હોલ, વરંડામાંથી જૂની ટાઈલ્સ કાઢી નાખીને ગ્રેનાઈટ નાખવામાં આવશે. સમગ્ર સ્ટેશનના પરિસરને સ્પેશિયલ વોટર જેટથી ધોવામાં આવશે, જ્યારે સ્ટેશન પરિસરના તમામ સ્થાપત્ય-શિલ્પોને યથાવત રાખીને જૂની-પુરાની બારીના કાચને બદલીને નવા લગાવવામાં આવશે. આ ઉપરાંત તમામ પ્લૅટફૉર્મ પરના જૂના શેડને હટાવીને નવા લગાવવામાં આવશે. આખા રેલવે સ્ટેશનના માળખામાં રંગરોગાન કરવાની સાથે જે કોઈ ભાગમાં તૂટફૂટ થઈ હોય ત્યાં પણ રંગરોગાન કરવાની સાથે મરમ્મતનું કામકાજ કરવામાં આવશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટનું કામકાજ ૮૫ ટકા પૂરું કરવામાં આવ્યું છે, જ્યારે તેના માટે કુલ ૧૦.૩૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, એમ મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.