ગુજરાતમાં એક ઝાટકે બદલીઓ થતી હોવાનુ ઘણી વાર બન્યુ છે. શુક્રવારે સરકારે પોતાનો રેકોર્ડ તોડ્યો ને એક સાથે 109 અધિકારીની બદલી કરી નાખી હતી. આ અધિકારીઓમાં મોટા પાયે આઈએએસ અધિકારીઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. હાલ મળતી માહિતી પ્રમાણે, 109 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ છૂટ્યા છે. મુકેશ પુરી, એ કે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના સહિતના અધિકારીઓની બદલી કરાઈ છે.
મોહમ્મદશાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા અને બી એન પાની તેમજ હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરાઈ છે.જ્યારે રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન પણ અપાયા છે.
રાજ્યના વહીવટી તંત્રમાં ટોપ ટુ બોટમ સુધીના અધિકારીઓને સરકારે બદલી નાખ્યા છે. કુલ 109 સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં કચ્છમાંથી પણ ત્રણ IASને બદલવામાં આવ્યા છે. કચ્છના હાલના કલેક્ટર એવા ગુજરાતી IAS દિલીપ રાણાને સુપર ટાઈમ સ્કેલમાં પ્રમોશન આપીને તેમને વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. જયારે કચ્છના નવા કલેક્ટર તરીકે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાને મુકવામાં આવ્યા છે. કચ્છ કલેક્ટરની સાથે સાથે DDO ભવ્ય વર્મા તથા ભુજના પ્રાંત અધિકારી અતિરાગ ચપલોતની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે.
દરેક રાજ્યની સરકારમાં અધિકારીઓની બદલી મહત્વનો મુદ્દો હોય છે. અધિકારીઓની પણ રાજકીય વગ હોય છે, જેના આધારે બદલીઓ કે પ્રમોશન થતાં હોવાનું માનવામાં આવે છે. આ સાથે જે તે વિષયમાં તેમની સૂઝ અને જે તે વિસ્તારમાં કામ કરવાના અનુભવને આધારે બદલી થાય છે. અધિકારી ભલે બદલાય તો કામ કરવાની સિસ્ટમ બદલાય અને સામાન્ય જનતાને ન્યાય મળે તો બદલીઓનો અર્થ સરે.