નાસિકઃ ભારતીય રેલવેના નાસિક રેલવે સ્ટેશન પર એક મહિલાની પ્રસૂતિ થઈ હતી અને આ નવજાત બાળકના જન્મ બાદ હરખાયેલી માતાએ પોતાના નવજાત બાળકનું નામ પણ નાસિક જ રાખી દીધું હતું.
અત્યાર સુધી આપણે અનેક વખત ચાલતી ટ્રેનમાં, રેલવે સ્ટેશન પર પ્રસુતિ થઈ હોવાની ઘટનાઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે આપણે અહીં વાત કરીશું એક એવી ઘટના વિશે કે જ્યાં મહિલાએ ચાલુ ટ્રેનમાં બાળકને જન્મ આપ્યો હતો. મુંબઈથી રવાના થયેલી સેવાગ્રામ એક્સપ્રેસમાં આ ઘટના બની હતી.
નાસિક રેલવે સ્ટેશન પરથી ટ્રેન પસાર થયા બાદ મહિલાએ સુંદર મજાના બાળકને જન્મ આપ્યો હતો. પ્રસુતિ થયા બાદ મહિલાએ આસપાસના પ્રવાસીઓને પૂછ્યું કે કયું સ્ટેશન ગયું, તો પ્રવાસીઓએ કહ્યું કે નાસિક રેલવે સ્ટેશન. બસ આ જવાબ સાંભળીને જ મહિલાએ પોતાના દીકરાનું નામ નાસિક રાખ્યું હતું.
ગર્ભવતી મહિલા યવતમાળ જઈ રહી હતી અને આ મહિલાએ પોતાના દીકરાનું નામ નાસિક રાખ્યું એના વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. ટ્રેનમાં આ નન્હેં મહેમાનના આગમાન બાદ આખા કોચનું વાતાવરણ જ પલટાઈ ગયું હતું અને ચારેબાજુએ આનંદનો માહોલ જોવા મળ્યો હતો.