મુંબઈ: થાણેના ડોક્ટરની એક્સપ્રેસ ટ્રેનમાં ભુલાઇ ગયેલી રૂ. ૨૩.૫૦ લાખનાં ઘરેણાં સાથેની બેગ ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) અમદાવાદના રહેવાસી પાસેથી જપ્ત કરી હતી. બેગમાં તમામ ઘરેણાં અકબંધ હતાં.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ૧ ફેબ્રુઆરીએ આ ઘટના બની હતી. ડોક્ટર અને તેની પત્ની ટ્રેનમાં હૈદરાબાદથી કલ્યાણ આવી રહ્યાં હતાં. અંબરનાથ સ્ટેશન ખાતે સિગ્લન ફેઇલ્યરને કારણે ટ્રેન થોભી ગઇ હતી. આથી ટ્રેન ફરી શરૂ થવાની રાહ જોવાને બદલે ડોક્ટર અને તેની પત્ની નીચે ઊતરી ગયાં હતાં.
ઉતાવળમાં તેઓ રૂ. ૨૩.૫૦ લાખનાં ઘરેણાં સાથેની બેગ ટ્રેનમાં ભૂલી ગયાં હતાં, એમ કલ્યાણ જીઆરપીના સિનિયર ઇન્સ્પેક્ટર અરસુદ્દીન શેખે જણાવ્યું હતું.
ટ્રેનમાં બેગ ભુલાઇ ગયાનું ધ્યાનમાં આવતાં દંપતીએ કલ્યાણ જીઆરપીમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હૈદરાબાદ અને મુંબઈના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં દાદર રેલવે સ્ટેશન પર એક શખસ એવી જ બેગ લઇને જતા નજરે પડી હતી. એ શખસને બાદમાં ઓળખી કાઢવામાં આવ્યો હતો, જે ડોક્ટર સાથે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યો હતો.
જીઆરપીની ટીમ ૬ ફેબ્રુઆરીએ અમદાવાદ પોલીસની મદદથી ઉપરોક્ત શખસના ઘરે પહોંચી હતી અને બેગ જપ્ત કરી હતી. બેગમાં તમામ ઘરેણાં અકબંધ હતાં. આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.